શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને ૨૦૦ કિલો સેવંતીના ફુલોનો શણગાર કરાયો
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.ર૦
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ ૨૦-૦૯-૨૦૨૫ને શનિવારના રોજ સાળંગપુરમાં દાદાને દિવ્ય વાઘા એવં ૨૦૦ કિલો સેવંતીના ફુલોનોશણગાર ધરાવવામાં આવ્યો છે. આજે સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા એવં સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીદ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ૬ દિવસની મહેનતે ૨ કારીગરો દ્વારાવૃંદાવનમાં બનાવવામાં આવેલા કમળની ડીઝાઇનના વાઘા પહેરાવવામાં આવ્યા છે. ચાંદીનો મુકુટ ધરાવાયો છે. હનુમાનજીદાદાના સિંહાસને ૨૦૦ કિલો સેવંતીના ફુલોનો શણગાર કરવામાં આવ્યો છે. આ શણગાર કરતાં ૩ સંતો, ભક્તો અને પાર્ષદોને ૩ કલાકનો સમય લાગ્યો હતો.


