દેશભરમાં દિપોત્સવીની ધૂમ : બજારો મોડી રાત્રી સુધી ધમધમી
વેપાર-ધંધા-ખરીદીનો રેકોર્ડ : દેશમાં સોના-ચાંદીની રૂા.૭૦ હજાર કરોડની ખરીદી સહિત કુલ રૂા.૧.રપ લાખ કરોડનો વેપાર થયો
(એજન્સી) નવી દિલ્હી તા.૦૭:
વિક્રમ સંવત ૨૦૮૨ના વિદાય અને સંવત ૨૦૮૩ના આગમનના દિપાવલીના તહેવારો આ વર્ષે દેશમાં વ્યાપાર-ધંધાને જબરો બુસ્ટર ડોઝ આપનાર બની જશે. ગઈકાલે ધનતેરસના દિવસે દેશભરમાં જવેલર્સથી ઓટો-કપડાની ડ્રાયફ્રુટ તથા ઈલેકટ્રોનીકોથી હાઉસ હોલ્ડ માર્કેટ મોડી રાત્રી સુધી ધમધમતા રહ્યા.
ખાસ કરીને સોનાના ભાવમાં જે થોડી નરમાઈ જોવા મળી છે તેમાં પુરા દેશમાં સોના-ચાંદીની રૂા.૭૦૦૦૦ કરોડની ખરીદી સાથે એક જ રાત્રીના રૂા.૧.૨૫ લાખ કરોડનો કારોબાર થયાના સંકેત છે. પુજા, મીઠાઈ જેવા નાના વ્યાપારી બજારો પણ આ ધનતેરસ પર લક્ષ્મીવર્ષા થવાના સંકેત છે. છેલ્લા એક સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય ઈવેન્ટથી જે રીતે માનસીકતા બદલી છે તેની અસર જોવા મળી છે.
ગ્રાહકોએ અગાઉથી બુક કરાયેલ કાર-સ્કુટરની ડીલીવરી માટે આ શુભ દિન પસંદ કર્યા હતા તથા દેશભરમાં લાખો કાર-સ્કુટર વેચાયા હતા. ટેલિવિઝન, રેફ્રીજરેટર, એરક્નડીશન્ડ કપડા, ફુટવેર તથા ખાણીપીણીની બજારો સવાર સુધી ચાલી હતી.


