રેન્જ પોલીસનો સપાટો જૂનાગઢના અગ્રણી બિલ્ડર અશ્વિન માળી પાસેથી વ્યાજખોરોએ પડાવી લીધેલી રૂા.૧.પ કરોડની મિલ્કત પરત અપાવી

શહેર અને જીલ્લામાં કયાંય પણ વ્યાજખોરો દ્વારા કનડગત થતી હોય તો તાત્કાલીક પોલીસનો સંપર્ક સાધવા રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાની લોકોને અપીલ

રેન્જ પોલીસનો સપાટો જૂનાગઢના અગ્રણી બિલ્ડર અશ્વિન માળી પાસેથી વ્યાજખોરોએ પડાવી લીધેલી રૂા.૧.પ કરોડની મિલ્કત પરત અપાવી

જુનાગઢ તા.૦પ
જુનાગઢ રેન્જ આઇ.જી રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ શહેરના અગ્રણી બિલ્ડર અશ્વિનભાઈ દુર્લભજીભાઈ પરમાર ઉર્ફે માળી પાસે વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી અને બળજબરીપૂર્વક સાબલપુર ચોકડી ઓપેરા સ્કવેર બિલ્ડીંગ ખાતે આવેલી સવાથી દોઢ કરોડ રૂપિયાની કિંમતની ૬ દુકાનો પર ગેરકાયદેસર કબ્જાે જમાવી લીધો હતો. ઉપરોકત બનાવ અંગે થોડો સમય પહેલા અશ્વિનભાઈ માળીના પુત્ર યશ માળીએ વ્યાજખોરો વિરૂધ્ધ બિ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 
જેમાં જણાવ્યા અનુસાર ગુનાની વિગત મુજબ ફરિયાદીના પિતા અશ્વિનભાઈ દુર્લભજીભાઈ પરમાર માળીને આરોપીઓએ અલગ-અલગ સમયે વ્યાજે નાણાં આપ્યા હતા. તે નાણાં પરત ચૂકવી દીધા હોવા છતાં આરોપીઓ વ્યાજ અને તેનું પણ ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલવા માટે પઠાણી ઉઘરાણી કરતા હતા. આરોપીઓ ફરિયાદી તથા તેમના પિતાને ફોન અને મેસેજ દ્વારા અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. તેમજ બળજબરીપૂર્વક દુકાનો, પ્લોટ અને જમીનના દસ્તાવેજો કરાવી લઈ તથા કોરા ચેક, પ્રોમેસરી નોટ અને ડાયરીમાં લખાણ કરાવીને મોટો આતંક મચાવ્યો હતો. દરમ્યાન આરોપીઓમાં સામેલ હમીરભાઈ ગીગાભાઈ મૂળીયાસીયાએ ફરિયાદીના પિતા પાસેથી લીધેલા નાણાં અને વ્યાજ ચૂકવાઈ ગયા છતાં વધુ વ્યાજ મેળવવાના ઈરાદે જૂનાગઢ શહેરમાં સાબલપુર ચોકડી ઓપેરા સ્ક્વેર બિલ્ડિંગ ખાતે આવેલી છ દુકાનો છેલ્લા ત્રણથી ચાર વર્ષથી પોતાના ગેરકાયદેસર કબજામાં રાખી હતી. આ દુકાનો કાયદેસર રીતે ફરિયાદીના પિતાની હોવા છતાં આરોપીઓ તેમને ત્યાં આવવા દેતા ન હતા. પોલીસે દસ્તાવેજોની ચકાસણી કરી સાબિત કર્યું કે આ મિલકત કાયદેસર રીતે ફરિયાદીની જ હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે ત્વરીત કાર્યવાહી કરી અને આ મિલ્કત ગઈકાલે યશ માળીને પરત અપાવી હતી. દરમ્યાન જૂનાગઢ શહેર અને જીલ્લામાં વ્યાજખોરોના આતંક સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ તકે જૂનાગઢ જિલ્લા રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સ્પષ્ટ સૂચના છે કે સામાન્ય નાગરિકોને વ્યાજખોરો હેરાન ન કરે. આ માટે રેન્જ કક્ષાએ ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી, જેમાં ત્રણેય જિલ્લાઓમાં પચીસ લોક દરબાર યોજી પાંચ ગુના નોંધી નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદાની ભાષામાં સમજાવટ કરતા, આરોપીઓ દ્વારા ગેરકાયદેસર કબજામાં રાખવામાં આવેલી સાબલપુર ચોકડી ઓપેરા સ્ક્વેર બિલ્ડિંગની છ દુકાનો (જેની આશરે કિંમત એક કરોડ પચાસ લાખ રૂપિયા છે) તે તમામ દુકાનો ખુલ્લી કરાવીને ફરિયાદીને પરત અપાવવામાં આવી છે.
આ તકે, ફરિયાદી યશ અશ્વિનભાઈ માળીએ જણાવ્યું હતું કે અગાઉ વ્યાજખોરોના ત્રાસ અને હમીરભાઈ મૂળીયાસીયા, વલ્લભભાઈ ચાવડા, કેતનભાઈ રાઠોડ તથા અન્ય આરોપીઓ દ્વારા તેમની મિલકત પર ગેરકાયદેસર કબજો જમાવી દેવાયો હતો. પરંતુ રેન્જ આઈજીના માર્ગદર્શન અને પીઆઈ વાય.બી. રાણા તથા પોલીસ ટીમની ઉત્કૃષ્ટ કામગીરીના કારણે ગઈકાલે વિધિવત રીતે તેમની દોઢ કરોડ રૂપિયાની કિંમતની છ દુકાનોનો કબજો પરત મળ્યો છે. આ બદલ તેમણે જૂનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર માન્યો છે અને વ્યાજખોરોથી હેરાન થતા નાગરિકોને આગળ આવીને પોલીસ સમક્ષ ફરિયાદ કરવા અપીલ કરી છે.
રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પણ રેન્જના તમામ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ પણ વ્યક્તિ વ્યાજના નામે બળજબરીથી હેરાન કરતી હોય તો તુરંત જ થાણા અધિકારી, ડીવાયએસપી, એસપી અથવા જરૂર પડ્યે નાયબ પોલીસ મહાનિરિક્ષક જૂનાગઢ વિભાગનો સીધો સંપર્ક કરવો, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક કડક કાર્યવાહી કરી નાગરિકોને ન્યાય અપાવી શકાય.

ભોગ બનનાર