નેતૃત્વમ અંતર્ગત કુણાલ પરસાણા લાયન્સ ક્લબ રૂદ્રાક્ષના પ્રમુખ બન્યા
જૂનાગઢ, તા.23
લાયન્સ ક્લબ રૂદ્રાક્ષ જુનાગઢની વર્ષ 2026-27 માટેની ઇન્સ્ટોલેશન સેરેમની ‘નેતૃત્વમ’ ભવ્ય અને ગૌરવપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. કાર્યક્રમ દરમ્યાન કુણાલ પરસાણા પ્રમુખ, પારસ પાનસુરિયા મંત્રી અને CA આશિષ શાહ ખજાનચી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
નવા હોદ્દેદારોને પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન ચંદ્રકાંતભાઈ દફતરી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. ઉપરાંત ક્લબમાં જાેડાયેલા 19 નવા સભ્યોને સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન જયકિશનભાઈ દેવાણી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા.નવનિયુક્ત પ્રમુખ કુણાલ પરસાણા એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આગામી વર્ષ દરમ્યાન આરોગ્ય, શિક્ષણ, ભૂખમુક્તિ, ડાયાબિટીસ જાગૃતિ, ટીબી નાબૂદી અને વિવિધ સેવાકીય પ્રોજેક્ટોને વધુ વેગ આપવામાં આવશે. આ પ્રસંગે ક્લબ દ્વારા CARE Projectનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને વ્હીલચેર, વોકર, એરબેડ, વોટરબેડ, નેબ્યુલાઇઝર સહિતની આરોગ્યલક્ષી સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. અંતે પ્રમુખ કુણાલ પરસાણાએ તમામ મહેમાનો, સભ્યો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. “We Serve” ના મંત્ર સાથે પ્રમુખ કુણાલ પરસાણાના નેતૃત્વમાં લાયન્સ ક્લબ રૂદ્રાક્ષ જૂનાગઢ સમાજ સેવાના નવા સંકલ્પ સાથે આગળ વધશે. પ્રમુખ કુણાલ પરસાણાના નેતૃત્વમાં લાયન્સ ક્લબ રૂદ્રાક્ષની નવી ટીમનો કાર્યભાર ગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો.


