ઉલ્ટી ગંગા : અમેરીકાએ હુતી વિદ્રોહીઓ સાથે સિક્રેટ ડીલ કરી
(એજન્સી) વોશિંગ્ટન તા.૧૭
અમેરિકાએ યમનના હુતી ઉગ્રવાદીઓ સાથે એક ગુપ્ત સોદો કર્યો છે. એક્સિઓસના રિપોર્ટ અનુસાર, આ સોદા હેઠળ હુતીઓએ અમેરિકાને ખાતરી આપી છે કે તેઓ રેડ-સીમાં અમેરિકી અને આંતરરાષ્ટ્રીય જહાજોને નિશાન નહીં બનાવે. તેના બદલામાં અમેરિકા યમનમાં હુતીઓ વિરુદ્ધ સાઉદી અરેબિયાને સૈન્ય મદદ નહીં કરે.
અમેરિકી અધિકારીઓ અને હુતી નેતાઓ વચ્ચે આ વાતચીત ગયા અઠવાડિયાના અંતમાં ઓમાનની રાજધાની મસ્કતમાં અમેરિકી દૂતાવાસમાં થઈ હતી.
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સોમવારે પણ પુષ્ટિ કરી કે અમેરિકા હુતીઓના સીધા સંપર્કમાં છે. હુતીઓએ અમેરિકાને ખાતરી આપી છે કે રેડ સીમાં અમેરિકી અને આંતરરાષ્ટ્રીય જહાજો તેમના નિશાન પર નહીં હોય. પરંતુ સાઉદી જહાજો અને સાઉદી તેલ લઈ જતા જહાજોને તેઓ હજુ પણ નિશાન બનાવશે.


