વિયેતનામમાં પ્રવાસી બોટ દુર્ઘટના : ભારતીયો સહિત 15નાં મોત, અનેક લાપતા
ફુ ક્વોક ટાપુ નજીક બોટ પલટી જતાં સર્જાઈ કરૂણ દુર્ઘટના; ભારતીય દૂતાવાસે શરૂ કરી તાત્કાલિક મદદની કામગીરી
તા.11
વિયેતનામના લોકપ્રિય પ્રવાસન સ્થળ ફુ ક્વોક ટાપુ નજીક શનિવારે એક ગંભીર બોટ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રવાસીઓને દરિયાઈ સફરે લઈ જતી બોટ અચાનક પલટી જતાં ભારતીયો સહિત કુલ 15 લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે.
માહિતી મુજબ બોટમાં કુલ 36 લોકો સવાર હતા, જેમાંથી 32 જેટલા ભારતીય પ્રવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. મોટાભાગના પ્રવાસીઓ તેલંગાણા અને આંધ્રપ્રદેશના હોવાનું કહેવાય છે. રાહત અને બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધી 21 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય ગુમ થયેલા લોકોની શોધખોળ સતત ચાલુ છે.
સ્થાનિક મીડિયા અનુસાર આ દુર્ઘટના સવારે આશરે 10:30 વાગ્યે બની હતી. બોટ ફુ ક્વોક નજીક આવેલા હોન મે રુટ ન્ગોઆઈ ટાપુ તરફ જઈ રહી હતી. ગંતવ્યથી લગભગ 400 મીટર અગાઉ જ બોટ દરિયામાં પલટી ગઈ, જેના કારણે મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ.
જે વિસ્તાર પાસે આ અકસ્માત થયો તે તેના સ્વચ્છ દરિયાકિનારા, કોરલ રીફ અને ડાઇવિંગ માટે વિશ્વભરના પ્રવાસીઓમાં લોકપ્રિય માનવામાં આવે છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ બોટ મારફતે મુલાકાતે આવે છે.
ઘટના બાદ ભારતના દૂતાવાસે તાત્કાલિક પગલાં લેતા હનોઈ અને હો ચી મિન્હ સિટી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કર્યા છે. દૂતાવાસ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહીને અસરગ્રસ્ત ભારતીયોને જરૂરી સહાય પહોંચાડી રહ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે દુર્ઘટનાની સંપૂર્ણ વિગતો હજુ એકત્રિત કરવામાં આવી રહી છે. બચાવ દળો દરિયામાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે અને ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.


