પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાનનું ત્રણ વર્ષના ડેટિંગ બાદ બ્રેકઅપ થયાની ચર્ચા

ઈબ્રાહિમે જ સંબંધનો અંત લાવવાનો નિર્ણય કર્યો હોવાની અટકળો; બંનેનું સાથે થનારું ફોટોશૂટ પણ રદ થયાની ચર્ચા

પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાનનું ત્રણ વર્ષના ડેટિંગ બાદ બ્રેકઅપ થયાની ચર્ચા

મુંબઈ, તા.31
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન તથા ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીના સંબંધોમાં તિરાડ પડી હોવાની ચર્ચા શરૂ થઈ છે. બંને લગભગ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં અને હવે તેમનું બ્રેકઅપ થઈ ગયું હોવાની અટકળો વહેતી થઈ છે. જોકે, ઈબ્રાહિમ કે પલક બંનેમાંથી કોઈએ પણ આ અંગે સત્તાવાર રીતે કંઈ જણાવ્યું નથી. ચર્ચા એવી પણ છે કે સંબંધનો અંત લાવવાનો નિર્ણય ઈબ્રાહિમે લીધો છે.
25 વર્ષીય ઈબ્રાહિમ અને 26 વર્ષીય પલક છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાની નજીક હોવાનું મનાતું હતું. ખાસ વાત એ છે કે આ મહિનાની શરૂઆતમાં જ બંને રાજસ્થાનના રણથંભોરમાં ટાઈગર સફારીનો આનંદ માણવા સાથે ગયાં હતાં. જોકે, ત્યારબાદ અચાનક તેમના બ્રેકઅપના સમાચાર સામે આવતાં ચાહકોમાં ચર્ચા શરૂ થઈ છે.
બંને આ મામલે મૌન જાળવી રહ્યાં હોવા પાછળ ઈબ્રાહિમના આગામી સેલિબ્રિટી ટોક શોને કારણ માનવામાં આવી રહ્યું છે. એવી અટકળો છે કે બ્રેકઅપના સમાચારની તેની આગામી રજૂઆત પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે તે માટે બંને અત્યારે આ અંગે કંઈ બોલવાનું ટાળી રહ્યાં છે. આ ઉપરાંત, પલક અને ઈબ્રાહિમ સાથે એક ફોટોશૂટ કરવાના હતાં, પરંતુ હવે તે પણ રદ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે.
ઈબ્રાહિમ અને પલકના સંબંધોની ચર્ચા વર્ષ 2022માં શરૂ થઈ હતી. ત્યારે મુંબઈની એક રેસ્ટોરાંમાંથી બહાર નીકળ્યા બાદ પલક ઈબ્રાહિમની કારમાં બેસીને રવાના થઈ હતી. આ ઘટનાની તસવીરો સામે આવતાં બંને વચ્ચે ડેટિંગ ચાલી રહ્યું હોવાની અટકળો શરૂ થઈ હતી. ત્યારબાદ બંને અનેક વખત જાહેર સ્થળોએ સાથે જોવા મળ્યાં હતાં. જોકે, હવે ત્રણ વર્ષના સંબંધ બાદ બંને અલગ થઈ ગયાં હોવાની ચર્ચાએ મનોરંજન જગતમાં ફરી એકવાર ધ્યાન ખેંચ્યું છે.