રૂ.200 કરોડના છેતરપિંડી કેસમાં નોરા ફતેહીને સમન્સ, 2 નવેમ્બરે કોર્ટમાં હાજર રહેવું પડશે
રાઉઝ એવન્યુ કોર્ટે સુકેશ ચંદ્રશેખર કેસમાં ફરિયાદ પક્ષની સાક્ષી તરીકે બોલાવ્યાં; ત્રીજી પૂરક ચાર્જશીટમાં સાક્ષી નંબર ત્રણ તરીકે નામ
મુંબઈ, તા.31
બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીને રૂ.200 કરોડના કથિત છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે સમન્સ પાઠવ્યાં છે. સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા આ કેસમાં નોરાને ફરિયાદ પક્ષની સાક્ષી તરીકે હાજર રહેવા જણાવાયું છે. તેમણે આગામી 2 નવેમ્બરે કોર્ટમાં હાજર રહી પોતાનું નિવેદન નોંધાવવાનું રહેશે.
રાઉઝ એવન્યુ કોર્ટે કેસની ત્રીજી પૂરક ચાર્જશીટમાં સાક્ષી નંબર ત્રણ તરીકે સૂચિબદ્ધ નોરા ફતેહીને જુબાની આપવા માટે સમન્સ જારી કર્યું છે. જોકે, તેમને ફરિયાદ પક્ષના સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યાં છે, આરોપી તરીકે નહીં. એટલે કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હોવાનો અર્થ એ નથી કે નોરાને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યાં છે.
આ હાઈપ્રોફાઈલ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનું નામ પણ સામે આવ્યું હતું. પોલીસની ચાર્જશીટ મુજબ, તપાસ દરમિયાન જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી સહિત અનેક વ્યક્તિઓનાં નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં. હવે ફરિયાદ પક્ષ કોર્ટ સમક્ષ પોતાના પુરાવા અને સાક્ષીઓ રજૂ કરી રહ્યો છે. આ કેસમાં નોરાની જુબાની મહત્ત્વપૂર્ણ બની શકે છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, સુકેશ ચંદ્રશેખર અને તેના સાથીઓ પર ફોર્ટિસ હેલ્થકેરના પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહને નિશાન બનાવવાનો આરોપ છે. સુકેશે કથિત રીતે કેન્દ્ર સરકારના અધિકારી તરીકે ઓળખ આપીને અદિતિ સિંહનો સંપર્ક કર્યો હતો અને તેમના જેલમાં બંધ પતિને જામીન અપાવવાનું વચન આપ્યું હતું.
પોલીસના આરોપ મુજબ, તે સમયે રોહિણી જેલમાં બંધ સુકેશે નકલી ફોન કોલ દ્વારા પોતે સરકારી અધિકારી હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ જામીન અપાવવાની ખાતરી આપીને અદિતિ સિંહ પર મોટી રકમ ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હોવાનો આરોપ છે. હાલ તપાસ એ સમગ્ર નેટવર્ક અને તેમાં સંકળાયેલા લોકોની ભૂમિકાને લઈને આગળ વધી રહી છે.


