જાહ્નવી કપૂર સાથે જોડાયેલી અશ્લીલ ઓનલાઈન સામગ્રી હટાવવાનો દિલ્હી હાઈકોર્ટનો આદેશ
અભિનેત્રીએ પોતાના વ્યક્તિત્વ અને છબીના અધિકારોની સુરક્ષા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો
મુંબઈ, તા.૧૩:
બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે જોડાયેલી આપત્તિજનક અને અશ્લીલ ઓનલાઈન સામગ્રીને લઈને દિલ્હી હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. અભિનેત્રીએ પોતાના વ્યક્તિત્વ અને છબીના અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી.
મામલાની સુનાવણી દરમિયાન કોર્ટની પીઠે સ્પષ્ટ કર્યું કે કોઈ ફેન પેજ અથવા અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રી ઉપલબ્ધ હોય તો તેને હટાવવાના નિર્દેશ આપી શકાય છે. જોકે, અશ્લીલ ન હોય તેવી સામગ્રી પર સીધો પ્રતિબંધ મૂકવો યોગ્ય છે કે નહીં, તે અંગે કોર્ટ દ્વારા અલગથી વિચારણા કરવામાં આવશે.
કોર્ટ સમક્ષ મુખ્યત્વે ત્રણ પ્રકારની સામગ્રી અંગે રાહતનો મુદ્દો સામે આવ્યો હતો. જેમાં પ્રથમ અશ્લીલ સામગ્રી, બીજી અભિનેત્રીના વ્યક્તિત્વ અને ઓળખના અધિકારોનો વ્યાવસાયિક ઉપયોગ કરીને કમાણી કરતી સામગ્રી અને ત્રીજી તેમની છબીનો ઉપયોગ કરીને કોઈ વસ્તુ કે સેવાના વેચાણને પ્રોત્સાહન આપતી સામગ્રીનો સમાવેશ થાય છે.
જાહ્નવી કપૂર દ્વારા પોતાના નામ, છબી અને વ્યક્તિત્વના અનધિકૃત ઉપયોગ સામે કાનૂની રક્ષણની માગ કરવામાં આવી હતી. આ મામલે દિલ્હી હાઈકોર્ટના આ વલણને સેલિબ્રિટીના વ્યક્તિત્વ અધિકારો અને ઓનલાઈન કન્ટેન્ટના દુરુપયોગ સામે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.


