સોમનાથ ચોપાટી દરિયાકાંઠે ડૂબતા યુવકને મરીન પોલીસે બચાવી લીધો

ઉત્તરપ્રદેશનો ૨૨ વર્ષીય યુવક નહાતી વખતે ઊંડા પાણીમાં ખેંચાયો; પેટ્રોલિંગ કરતી મરીન પોલીસે લાઇફ બોયની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યો

સોમનાથ ચોપાટી દરિયાકાંઠે ડૂબતા યુવકને મરીન પોલીસે બચાવી લીધો

(રાકેશ પરડવા દ્વારા) ગીર સોમનાથ તા.૨૬
સોમનાથ ચોપાટી દરિયાકાંઠે દરિયામાં ડૂબી રહેલા ૨૨ વર્ષીય યુવક માટે મરીન પોલીસની સમયસૂચકતા જીવનરક્ષક સાબિત થઈ હતી. દરિયામાં નાહવા દરમિયાન અચાનક ઊંડા પાણી તરફ ખેંચાઈ ગયેલા યુવકને મરીન પોલીસની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સુરક્ષિત રીતે બચાવી લીધો હતો.
મળતી માહિતી મુજબ, ઉત્તરપ્રદેશનો રહેવાસી ૨૨ વર્ષીય સોનુભાઈ યાદવ સોમનાથ ફરવા આવ્યો હતો. આ દરમ્યાન તે સોમનાથ ચોપાટી ખાતે દરિયામાં નાહવા માટે ઉતર્યો હતો. નાહતી વખતે અચાનક દરિયાની લહેરો વચ્ચે તે ઊંડા પાણી તરફ ખેંચાઈ ગયો હતો અને ડૂબવા લાગ્યો હતો.
દરિયામાં પેટ્રોલિંગ કરી રહેલી મરીન પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મરીન પોલીસની ટીમ સરકારી બોટ સાથે યુવક સુધી પહોંચી હતી અને દરિયામાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.
રેસ્ક્યૂ દરમિયાન લાઇફ બોયની મદદથી ડૂબી રહેલા યુવક સુધી પહોંચીને તેને સુરક્ષિત રીતે બોટમાં લેવામાં આવ્યો હતો. સમયસર મદદ મળી જતાં યુવકનો જીવ બચી ગયો હતો.
રેસ્ક્યૂ બાદ યુવકને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ તેને વેરાવળ કોસ્ટગાર્ડ જેટી ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સોમનાથ ચોપાટી ખાતે બનેલી આ ઘટનામાં મરીન પોલીસની પેટ્રોલિંગ ટીમે સમયસર પરિસ્થિતિને પારખીને ઝડપી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરતાં ઉત્તરપ્રદેશથી સોમનાથ ફરવા આવેલા ૨૨ વર્ષીય યુવકનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.