નવી ‘રામાયણ’ના સંગીતથી સુનીલ લહરી થોડા નિરાશ

જૂની રામાયણના લક્ષ્મણે નિતેશ તિવારીની ફિલ્મના સંગીત પર ઉઠાવ્યા સવાલ; અયોધ્યા અને મિથિલાના લોકસંગીતનો વધુ સ્પર્શ હોવો જોઈએ તેવી વ્યક્ત કરી લાગણી

નવી ‘રામાયણ’ના સંગીતથી સુનીલ લહરી થોડા નિરાશ

મુંબઈ તા.6
રામાનંદ સાગરની લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ ‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતા બનેલા અભિનેતા સુનીલ લહરીએ નિતેશ તિવારીની નવી ફિલ્મ ‘રામાયણ’ના સંગીત અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા વચ્ચે સુનીલ લહરીએ ટ્રેલરમાં સાંભળેલા કેટલાક ગીતો અને સંગીતના ભાગો અંગે થોડી નિરાશા વ્યક્ત કરી છે. જોકે, તેમણે ફિલ્મના દિગ્દર્શક નિતેશ તિવારી અને તેમની ટીમની ક્ષમતા પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.
સુનીલ લહરીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે ઘણા લોકો તેમને નવી ‘રામાયણ’ અંગે પોતાના વિચારો જણાવવા માટે કહી રહ્યા હતા. તેમણે કહ્યું કે એક સમયે તેઓ પણ આ મહાકાવ્ય આધારિત સિરિયલનો હિસ્સો રહ્યા હતા, પરંતુ તે સમય અને આજનો સમય અલગ છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમણે હજુ સુધી નવી ફિલ્મ જોઈ નથી અને તેઓ રામાયણના સંશોધક કે નિષ્ણાત પણ નથી. તેથી ફિલ્મ અંગે સંપૂર્ણ સમીક્ષા આપવી યોગ્ય નહીં ગણાય.
ફિલ્મના સંગીત અંગે વાત કરતાં સુનીલ લહરીએ જણાવ્યું કે રામાયણ જેવા મહાકાવ્યમાં સંગીતની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હોય છે અને તે ફિલ્મની કરોડરજ્જુ સમાન છે. જોકે, ટ્રેલરમાં સાંભળેલા કેટલાક ગીતો અને સંગીતના ભાગો તેમની અપેક્ષા મુજબના ન હોવાથી તેમને થોડી નિરાશા થઈ છે. તેમના મતે ગીતોના સંગીતમાં અયોધ્યા અને મિથિલાની સ્થાનિક સંસ્કૃતિ તેમજ લોકસંગીતની ઝલક વધુ સ્પષ્ટ રીતે જોવા મળવી જોઈતી હતી.
ઉલ્લેખનીય છે કે ફિલ્મના સંગીતને લઈને અગાઉ પણ ચર્ચા થઈ ચૂકી છે. ખાસ કરીને ‘મંગલ રંગ’ ગીતની ધૂન અંગે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી હતી. ફિલ્મનું સંગીત જાણીતા સંગીતકાર એ.આર. રહેમાન અને હાન્સ ઝિમરે તૈયાર કર્યું છે. બંને સંગીતકારોએ ફિલ્મના સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર પર સાથે મળીને કામ કર્યું છે.
સુનીલ લહરીએ પોતાની ટિપ્પણીને નિષ્ણાત અભિપ્રાય નહીં, પરંતુ એક સામાન્ય શ્રોતા તરીકેની વ્યક્તિગત લાગણી ગણાવી હતી. સાથે જ તેમણે ફિલ્મની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. તેમને વિશ્વાસ છે કે નિતેશ તિવારી અને તેમની ટીમે સારી ફિલ્મ બનાવી હશે. તેમણે ફિલ્મ સાથે જોડાયેલા કલાકારો અને સમગ્ર ટીમની મહેનતની પ્રશંસા કરતાં કહ્યું કે આટલા મોટા બજેટની ફિલ્મની સફળતા જરૂરી છે, કારણ કે તેની સાથે અનેક લોકોની રોજીરોટી જોડાયેલી છે. અંતમાં તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે ફિલ્મને મોટી સફળતા મળે.