ડાક ચૌપાલ અને મોબાઇલ વાન અભિયાન દ્વારા નાણાકીય સમાવેશ તથા ટપાલ સેવાઓ અંગે જનજાગૃતિ
(પ્રતિનિધિ દ્વારા)
માણાવદર તા.ર૬
બાંટવા ઉપવિભાગ હેઠળ તા.ર૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ નાની બચત યોજનાઓ, નાણાકીય સમાવેશ અને ભારતીય ટપાલ વિભાગની વિવિધ સેવાઓ અંગે જનજાગૃતિ ફેલાવવા ડાક ચૌપાલ કાર્યક્રમો તથા મોબાઇલ વાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપવિભાગીય નિરીક્ષક (SDI), બાંટવાના આયોજન હેઠળ દડવા અને આંબલિયા શાખા ટપાલ કચેરીઓના કાર્યક્ષેત્રમાં તેમજ રાફાળા ગામમાં જનજાગૃતિ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. આ ઉપરાંત માણાવદર શહેરમાં મોબાઇલ વાન દ્વારા ટપાલ સેવાઓ અંગે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. આ અભિયાન દ્વારા અંદાજે ૨,૭૦૦થી ૨,૯૦૦ નાગરિકોને નાણાકીય સમાવેશ, નિયમિત બચત અને ભારતીય ટપાલ વિભાગની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અભિયાનના પરિણામે તા. ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બાંટવા સબ ડિવિઝન માં ૨૦૦થી વધુ નવા પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક (POSB) ખાતાં ખોલવામાં આવ્યાં હતાં. નાગરિકોને ભારત સરકારની પોસ્ટ ઓફિસ બચત યોજનાઓમાં સુરક્ષિત રોકાણ કરવા તથા બચતની ટેવ વિકસાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. સાથે જ પોસ્ટ ઓફિસ બચત બેંક(POSB), ટપાલ જીવન વીમા(PLI), ગ્રામીણ ટપાલ જીવન વીમા(RPLI) અને ટપાલ બુકિંગ સેવાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ભારતીય ટપાલ વિભાગના વિશાળ નેટવર્ક દ્વારા માણાવદર અને કુતિયાણા તાલુકાનાં ગામોમાં નાગરિકોને ટપાલ તથા નાણાકીય સેવાઓ તેમના ઘરઆંગણે ઉપલબ્ધ થઈ શકે તે અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં નાણાકીય જાગૃતિ વધારવા, બચત અને વીમા સેવાઓનો વ્યાપ વિસ્તારવા તથા ભારતીય ટપાલ વિભાગની વિવિધ સેવાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચાડવાનો હતો.


