ઉના અને ગીરગઢડા તાલુકામાં હાલની મીટરગેજ લાઇનમાંથી બ્રોડગેજ રેલ્વે લાઇનમાં રૂપાંતર કરવા રજુઆત
વર્તમાન સાંસદો અંગત રસ લઈ કામગીરી કરે તેવી બન્ને તાલુકાના લોકોની માંગણી
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.24
ગઈકાલે મિશન બ્રોડગેજ દેલવાડા - ઉના સમિતિ દ્વારા સમિતિના આગેવાન શાંતિલાલ ડી. કીડેચા, મગનભાઈ ગજેરા, બાબુભાઈ શિંગોડ, મહેશભાઈ ગોસાઈ સહિત ઉના તથા ગીરગઢડા તાલુકાના ગ્રામજનોએ સહી કરી એક આવેદનપત્ર ભારત સરકારના રેલ્વે મંત્રી અશ્વિનીકુમાર, જિલ્લા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, રાજ્યસભાના સાંસદ માનસિંગભાઈ પરમાર, પશ્ચિમ રેલવેના વડા મથક મુંબઈ અને ભાવનગર રેલવે ડિવિઝન કચેરી ભાવનગરના અધિકારીને સંબોધી લખેલ આવેદન પત્ર ઉનાની પ્રાંત કચેરીએ જઈ પ્રાંત અધિકારીને આપી માગણી કરી છે કે ઉના અને ગીર ગઢડા તાલુકાના વિકાસ માટે બ્રોડગેજ રેલ્વેની ખાસ જરૂર છે. હાલ ની દેલવાડા તલાલા, સાસણ,વિસાવદર જૂનાગઢ મીટર ગેજ રેલ્વે લાઇન શરૂ છે. તે લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરણ કરી લાંબા અંતરની ટ્રેનનો લાભ મળી શકે તેમ છે. તેમજ ત્રણ વર્ષ પહેલા રેલ્વે તંત્ર દ્વારા રાજુલા પીપાવાવ સિમર, દેલવાડા કોસ્ટલ એરિયામાં બ્રોડગેજ રેલવે લાઇનનો સર્વે કરવામાં આવ્યો હતો. તે રૂટ ઉપર જાે બ્રોડગેજ લાઇન શરૂ થાય તો સરકારને ઓછા ખર્ચે કામ થાય તેમ છે. અને આ બ્રોડગેજ રેલ્વે શરૂ થાય તો ઉના તાલુકાને લાંબા અંતરની ટ્રેનોનું કનેશન મળી શકે છે. બ્રોડગેજ રેલ્વે શરૂ થાય તો પ્રવાસન, કૃષિ, મત્સ્ય ઉદ્યોગ વેપારને વેગ મળે અને સ્થાનિક લોકોમાં રોજગાર મળે તેમ છે. તેમજ દેલવાડા- દીવ બ્રોડગેજ રેલવે લાઇન નખાઈ તો ટૂરિસ્ટો માટે અનુકુળ છે.
હાલની દેલવાડા તલાલા, વેરાવળ સાસણ મીટર ગેજ રેલ્વે લાઇન જગ્યાએ બ્રોડગેજ લાઇન કરવામાં આવે અને ગીર જંગલમાંથી પસાર થતી લાઇનની બન્ને બાજુ રક્ષક દિવાલ, અંડર પાસ અને લોખંડની જાળી કરવામાં આવે તો વન્ય પ્રાણીઓનો અકસ્માત પણ ન થાય તો વહેલી તકે આ રૂટનો સર્વે કરી બ્રોડગેજ રેલવે લાઇન શરૂ કરવા માંગણી કરી છે. જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના લોકસભાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને રાજ્યસભાના સાંસદ માનસિંગભાઈ પરમાર પણ અંગત રસ લઈ આ રેલવે લાઇન વહેલી તકે શરૂ કરવા પ્રયત્ન કરે તેવી બંને તાલુકાના લોકોની માંગણી છે.


