વીરપુર:- તા.૦૬
રાજકોટ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પુજ્ય જલારામ બાપાની કર્મભુમિ એવા વિરપુર (જલારામ) મુકામે રાજકોટ - જેતપુર નેશનલ હાઇવે – ૨૭ બી સીક્સ લેનનું કાર્ય હાલમાં ચાલી રહેલ છે. વિરપુર પાસે સૌભાગ્ય હોટેલ અને વિરપુર બસ સ્ટેન્ડ સામે ફ્લાય ઓવરની કામગીરી હાલમાં ચાલી રહેલ છે. વિરપુર સૌભાગ્ય હોટેલ પાસે જુની માંગણી મુજબ વીરપુરમાં જુનાગઢ પોરબંદર, સોમનાથ, દ્વારકા, દિવ તરફથી આવતા યાત્રાળુઓ, ગ્રામજનો પ્રવેશવા માટેનુ નાલુ (બોક્સ) માંગણી મુજબ બનાવી આપવામાં આવી રહેલ ન હોવાથી રજુઆતકર્તાઓ એ આ અંગે ધારાસભ્ય જયેશ રાદડીયા, સંસદ સભ્ય ડો. મનસુખ માંડવીયા તેમજ વિરપુર ના સ્થાનિક આગેવાન ગોરધનભાઇ ધામેલીયા ને આ નાલાની ઉંચાઇ વધારવા અનેક વખત રજુઆત કરેલ છે. પરંતુ કોઇ અગમ્ય કારણસર તથા રાજકીય ઇશારે વિરપુર (જલારામ) ના સ્થાનીક રહેવાસીઓ તથા રજુઆતકર્તાઓના આ પ્રશ્નને નજરઅંદાજ કરતાં ગ્રામજનો અને સત્તાધિશો વચ્ચે વિવાદ વધુ ઘેરો બન્યો છે.
ગ્રામજનોની માંગણી છે કે, જુનાગઢ - સોમનાથ - પોરબંદર – દ્વારકા દીવ થી આવતા યાત્રાળુઓની બસ તેમજ ધંધાર્થીઓના ભારે વાહનો, ક્રેઇન, મોટા વાહનો, ખેડુતને માલ - સામાનની અવર જવર માટેના વાહનો, સ્ટોન ક્રશર માટેના ડમ્પરો, ખેડુતના કપાસ લેવા માટેના મોટા ટ્રકો તેમજ સ્કુલની બસો જે હાલમાં નાલુ બનાવી રહ્યા છે તેમાંથી પ્રવેશ શક્ય નથી અને ઘણીખરી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે. જેથી આ નાલાની ઉંચાઈ તથા પહોળાઈ વધારવા ગ્રામજનોની તથા રજુઆતકર્તાઓની માંગણી છે.
તેમજ જો ગ્રામજનો તથા રજુઆતકર્તાઓની આ વ્યાજબી માંગણી સ્વીકારવામાં નહી આવે અને નાલાની ઉચાઇ તથા પહોળાઇમાં વધારો નહી કરવામાં આવે તો ભવિષ્યમાં આ ચોકડી એક અકસ્માત ઝોન (બ્લાઇન્ડ સ્પોટ) બની રહેશે જેને લીધે અનેક વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવો પડશે તેમજ આવનારી પેઢી માટે મોટા વાહનનો પ્રવેશ તથા પૂજય જલારામ બાપાના મંદિરના દર્શનાર્થે આવતા લોકો માટે ખુબ જ મોટી ટ્રાફીકની તથા પ્રવેશ કરવાની સમસ્યાનો સામનો કરવો પડશે. તેમજ જો માંગણી નહી સ્વીકારમાં આવે તો નાછુટકે ગ્રામજનો દ્વારા આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર બેસવાની તેમજ વિરપુર ગામ સદંતર બંધ કરવાની ફરજ પડશે.
તેમજ આ ગ્રામજનોના પ્રાણપ્રશ્નને ઉકેલવા માટે વિરપુર (જલારામ) ગામના સરપંચ રમેશભાઇ સરવૈયા, ગામના યુવા એડવોકેટ અનિલભાઇ સરવૈયા, હોટેલ એશોસીએશન વતી અતુલભાઇ બારસીયા, ટ્રાવેલ્સ સંચાલક લખુભાઇ બાખલખીયા, માલધારી સમાજ સભ્ય વિપુલભાઈ મેવાડા તથા વિરપુર (જલારામ) ગ્રામ વિકાસ સમિતીના અન્ય યુવા સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.