વેરાવળમાં એસએમસીએ દરોડો પાડી 44 લાખના દારૂના જથ્થા સાથે બુટલેગર સહિત ત્રણને ઝડપી લીધા

દરોડામાં દારૂના જથ્થા ઉપરાંત ટેન્કર, સ્ક્રોપીયો, બાઈક સહિત કુલ 85 લાખનો મુદામાલ જપ્ત કરાયો, પ્રકરણમાં સંડોવાયેલા 11 શખ્સોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરાઈ

વેરાવળમાં એસએમસીએ દરોડો પાડી 44 લાખના દારૂના જથ્થા સાથે બુટલેગર સહિત ત્રણને ઝડપી લીધા
ગીર સોમનાથ, તા.19
વેરાવળ શહેરમાં વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમએ મોટી કાર્યવાહી કરતા ચકચાર પ્રસરી છે. વેરાવળમાં વિદેશી દારૂ આવી રહ્યાની મળેલ ચોક્કસ બાતમીના આધારે એસએમસીના પીઆઈ બ્રહ્મભટ્ટએ ટીમ સાથે શહેરના ભાગોળે આવેલ હુડકો સોસાયટી નજીક વ્હેલી સવારે પાંચેક વાગ્યે દરોડો પાડીને દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડયુ હતુ. આ સમયે સ્થળ પરથી કાર, સ્કુટર સહિતનો મુદામાલ જપ્ત કરી સીટી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવેલ હતા. જ્યાં એસએમસીની ટીમે ટેન્કરની તપાસ કરતા તેમાં ખાસ બનાવેલા 'ચોરખાના' માંથી અંદાજે 470 થી વધુ વિદેશી દારૂની પેટીઓ 19,375 નંગ દારૂ-બિયરનો જથ્થો મળી આવતા અધિકારીઓ ચોકી ઉઠયા હતા. 
આ દરોડા દરમ્યાન એસએમસીની ટીમે કુખ્યાત બુટલેગર રેનીશ કાપડિયા, પાર્થ ગીરીશ રૂઘાણી, ધર્મેશ નરસિંહ ખાપંડી ત્રણેયની અટક કરીને પૂછપરછ હાથ ધરી હતી. જ્યારે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય 11 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દમણમાંથી સપ્લાય કરનાર અજાણ્યો શખ્સ, જુનાગઢના રવિ હમીર ભરાઈ, બહાદુર દિલુ બાબરિયા અને જયેશ ઉર્ફે જય મૂલિયાસિયા સહિતના ગુનેગારોનો સમાવેશ થયો હોવાથી તેઓની શોધખોળ હાથ ધરી છે. આમાંના કેટલાકના પૂર્વ ગુનાહિત રેકોર્ડ પણ ધરાવે છે. 
આ પ્રકરણમાં એસએમસી દ્વારા રૂ.44.23 લાખના દારૂ બિયરના જથ્થા ઉપરાંત એક ટેન્કર, એક સ્કોર્પિયો કાર અને એક બોલેરો કાર સહિત કુલ રૂ.85 61 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એકટની કલમ 65(A)(E), 81, 83, 98(2), 116(B) તથા ભારતીય ન્યાય સંહિતા - 2023ની કલમ 111(3) અને 111(4) હેઠળ ગુનો નોંધાવેલ છે. આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.