ડીજીટલ યુગનાં સમયમાં પણ દિવાળીના દિવસે થતાં શારદા પૂજનમાં દેશી ચોપડાનું મહત્વ

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરનાં મોટાભાગનાં વેપારીઓએ પરંપરા જાળવી રાખી છે -રોજમેળ, ખાતાવાહી, કેલેન્ડર ડાયરીની માંગ

ડીજીટલ યુગનાં સમયમાં પણ દિવાળીના દિવસે થતાં શારદા પૂજનમાં દેશી ચોપડાનું મહત્વ

જૂનાગઢ તા. ર૪
જૂનાગઢ સહીત દેશભરમાં દીવાળીનાં તહેવારની ઉજવણી માટેની તૈયારીઓ થઈ રહી છે. પરંપરાગત ઉજવાતા તહેવારમાં દીવાળી સૌથી મોટો તહેવાર છે. દીવાળીનાં તહેવારને ભારે  ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. દરમ્યાન આગામી તા.૮ નવેમ્બરનાં દીવાળીનું પર્વ આવી રહયું છે તેને માત્ર ૧પ દિવસની વાર છે. ત્યારે મુખવાસથી લઈ ફટાકડા સુધીની ધીમે ધીમે ખરીદી શરૂ થવાનું મનાઈ છે. કારમી મોંઘવારીના સમયમાં દીવાળીનો તહેવાર ખુબજ ઉત્સાહભેર ઉજવવામાં આવનાર છે. દીવાળીનાં તહેવારની સાથે સાથે લક્ષ્મીપૂજન, શારદા પૂજન અને ચોપડા પૂજનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. અગીયારસના દિવસથી તહેવાર શરૂ થાય અને ધનતેરસથી ઉજવણીનો માહોલ રચાઈ છે. ધનવંતરી ભગવાનનું પૂજન થાય છે. બીજે દિવસે કાળી ચૌદશના દિવસે નિવેદ સહીતના ધાર્મિક કાર્યો થતાં હોય છે અને દીવાળીનાં તહેવાર પર ઉજવણી ચરમસીમાએ પહોંચે છે. લોકો પોતાના ઘર આંગળની સજાવટ, આકર્ષક કલર, રંગોળી અને ફટાકડાની આતશબાજી થતી હોય છે. દીવાળીનાં દિવસે ધનની દેવી લક્ષ્મી માતાજીનું  પૂજન અને પ્રસાદ ધરાવવામાં આવે છે. દીવાળીના દિવસે વેપાર-ધંધા સાથે સંકળાયેલા નાના વેપારીથી લઈ મોટા ઉદ્યોગપતિઓ દ્વારા શારદાપૂજન, લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. જેમાં દુકાન, વ્યવસાયીક કેન્દ્રોએ શુભ મુહુર્તમાં લક્ષ્મી પૂજન, શારદા પૂજન કરવામાં આવે છે. વેપારી પેઢીઓના પરિવારજનો ઉપરાંત  સ્નેહી મિત્રો, શુભેચ્છકો પણ ઉપસ્થિત રહે છે. શાસ્ત્રોકત વિધી સાથે પૂજન વિધી કરવામાં આવે છે. વેપારના સ્થળને શણગારવામાં આવે છે તેમજ વિદ્યવાન બ્રહ્મ દેવો દ્વારા પૂજન વિધી, મંત્રોચ્ચાર કરવામાં આવે છે. શારદા પૂજન પ્રસંગે રોજમેળ, ખાતવહીમાં ૧ા, શ્રીગણેશાય નમ: અને લક્ષ્મી માતાજીની પૂજા, લાભ-શુભના ચિહ્ન આલેખવામાં આવે છે અને  પૂજનવિધી કરવામાં આવે છે. પૂજન વિધી પુર્ણ થયા બાદ પ્રસાદ વિતરણ થાય છે અને ફટાકડાની આતશબાજી પણ કરવામાં આવે છે. પરંપરાગત રીતે શારદા પૂજન દરેક વેપારીઓ દ્વારા કરવામાં આવે છે. આજે ડીજીટલ યુગની બોલબાલા છે. કોમ્પ્યુટરાઈઝ બધોજ વ્યવહાર અને સિસ્ટમ ચાલે છે. પરંતુ તેમ છતાં આજે પણ પરંપરાગત રીતે ચોપડા પૂજન કરવામાં આવે છે.
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં મોટાભાગનાં વેપારીઓ દ્વારા પૂજનવિધી માટે ખાસ રોજમેળ, ખાતાવહીની ખરીદી થાય છે અને દીવાળીનાં દિવસે પૂજન વિધીનો કાર્યક્રમ દુકાનો અને વ્યવસાયીક કેન્દ્રોમાં યોજવામાં આવે છે. જૂનાગઢ શહેરમાં વેપારીઓ દીવાળીનાં દિવસે પરંપરાગત રીતે ચોપડા પૂજન કરે છે.
દરમ્યાન જૂનાગઢનાં માલીવાડા રોડ પર આવેલ પૂજા સ્ટેશનર્સનાં વેપારી હીતેષભાઈ પારેખ જેઓ પાઠયપુસ્તકો, બોલપેન, રોજમેળ, ખાતાવહી, કેલેન્ડર, ડાયરી, પંચાગ સહીતની સ્ટેશનરી વસ્તુઓનાં વિક્રેતા છે. તેઓએ જણાવ્યું હતું કે, દિવાળીનાં પર્વને ધ્યાને લઈ ચોપડા પૂજન માટે જ ખાસ રોજમેળ, ખાતાવહી, કલમ, ખડીયો જેવી સ્ટેશનરીની વસ્તુઓનો સ્ટોક મંગાવવામાં આવે છે. અમારે ત્યાંથી શહેરનાં નાના વેપારીથી લઈ અગ્રણી વેપારીઓ પણ દીવાળીનાં દિવસે ખાસ ચોપડા પૂજન માટે રોજમેળ, ખાતાવહીની ખરીદી કરે છે. ભાવોમાં હાલ કોઈ વધારો થયો નથી તેમ પણ જણાવેલ છે. વિશેષમાં હીતેષભાઈ પારેખનાં જણાવ્યા અનુસાર દીવાળી પર્વ પ્રસંગે રોજમેળ, ખાતાવહી, કેલેન્ડર, ડાયરી, પંચાગનાં ડટાની માંગ રહે છે અને ખરીદી પણ રહે છે.  દીવાળીએ થતાં ચોપડા પૂજનમાં આજે ડીજીટલ યુગમાં પણ દેશી ચોપડાનું મહત્વ રહેલું છે.