માનવ જીવન સાથે ચેડા કરતી કે.જે. હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ કરી બ્લેકલિસ્ટ કરો

માનવ જીવન સાથે ચેડા કરતી કે.જે. હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ કરી બ્લેકલિસ્ટ કરો

જૂનાગઢ તા.રપ
જૂનાગઢની સૌથી મોટી અને શ્રેષ્ઠ કહેવાતી હોસ્પિટલ કે.જે. હોસ્પિટલના એક પછી એક કૌભાંડ બહાર આવતા જેને લઈને તબીબી જગતમાં ભારે ચકચાર જાગી છે. તાજેતરમાં જ કે.જે. હોસ્પિટલમાં ૭૬ જેટલા ઓપરેશનો મન ફાવે તે રીતે કરી નાખવાના પગલે આ હોસ્પિટલને રૂા.૧ર,પ૦,૪૮૭ નો દંડ અને પેનલ્ટી ફટકારવામાં આવી છે. જેને લઈને ભારે વિવાદ ઉઠવા પામેલ છે.
જૂનાગઢ શહેરમાં કે.જે. હોસ્પિટલ જયારથી અસ્તીત્વમાં આવી છે ત્યારથી જ કાંઈક ને કાંઈક વિવાદ આ હોસ્પિટલમાં થતા હોવાની વ્યાપક ફરિયાદો રહેલી છે. થોડા સમય પહેલા જ એક દર્દી સાથે જરૂરીયાત નહી હોવા છતાં પણ તેને ઓપરેશન કરી નાખવાના બનાવને પગલે હોબાળો મચ્યો હતો અને જે અંગે પોલીસમાં ફરિયાદ અરજી પણ દાખલ કરવામાં આવી છે. દરમ્યાન કે.જે. હોસ્પિટલનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે જેમાં ડો.શ્રીનિવાસ કુમાર ડીસેમ્બર ર૦ર૪ સુધી હોસ્પિટલ સાથે સંકળાયેલા હતા અને ત્યારબાદ આ હોસ્પિટલમાંથી છુટા થયા હોવા છતાં આ કે.જે. હોસ્પિટલ દ્વારા ડીસેમ્બર-ર૦ર૪ થી તા.૦૭-૧૦-ર૦રપ સુધી તેમના નામે ૭૬ ઓપરેશન કરવામાં આવેલ છે જે અંગે હોસ્પિટલનાં રોજકામમાં સ્વીકાર પણ થયો છે. ડો.એસ. દિનેશ દ્વારા આ ઓપરેશનો કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે, ડો.એસ. દિનેશ કોઈપણ સર્જરી કરવા માટે અધિકૃત ન હતા કેમ કે, તેઓ જીએમસી/એનએમસી રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ધરાવતા ન હતા અને પીએમજે મા યોજનાના એચઈએમ પોર્ટલ પર એપ્રુલ થયા ન હતા તેમનો જીએમસી રજીસ્ટ્રેશન તા.૦૧-૦૪-ર૦રપ ના રોજ જારી કરવામાં આવ્યું હતું અને આ બાબત હોસ્પિટલ દ્વારા રોજકામમાં સ્વીકારેલ છે. બજાજ ઈન્સ્યુરન્સ દ્વારા જે ઓડીટ કરવામાં આવ્યું હતું તેમાં આ ચોંકાવનારી બાબત બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.
મલ્ટી હોસ્પિટલના બહાના હેઠળ કે.જે. હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ખુબ જ મોટા કાંડ કર્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. આ હોસ્પિટલ જયારે કાર્યરત બની ત્યારે શરૂઆતમાં હોસ્પિટલમાં સારવાર માટે આવનારા દર્દીઓને નજીવા દરે સારવાર આપવામાં આવતી હોતી તેમજ સરકારશ્રીની યોજના અંતર્ગત પીએમવાય યોજના તેમજ મા વાત્સલ્ય કાર્ડ અંતર્ગત મફત સર્જરી પણ કરવામાં આવતી હતી. થોડો સમય બધુ ઠીકઠાક ચાલ્યું હતું. અને ત્યારબાદ જેમ જેમ આ હોસ્પિટલની નામના દીવસે દિવસે વધવા લાગી ત્યારબાદ અચાનક મોટો બદલાવ આવી ગયો હોવાનું પણ લોકોમાં છડેચોક બોલાઈ રહ્યું છે. જાણકાર સુત્રોના જણાવ્યા અનુસાર અને લોકોમાં ચર્ચાતી વિગતો અનુસાર આ હોસ્પિટલમાં જયારે કોઈ દર્દી સારવાર માટે જુદા-જુદા કેસમાં દાખલ થાય છે ત્યારે ન જાેઈતા હોય તેવા જુદા-જુદા રીપોર્ટ પણ કરવામાં આવે છે અને જે-તે દર્દીને પાંચથી છ હજાર રૂપિયાના ખાડામાં પણ ઉતારી દેવાતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. એક ગંભીર બાબત એ પણ બહાર આવી છે કે, જૂનાગઢમાં જાે કોઈ હોસ્પિટલમાં પીએમવાયજે યોજના અંતર્ગત સૌથી વધુ સર્જરી કરવામાં આવી હોય તો તે કે.જે. હોસ્પિટલ રેકોર્ડ ધરાવે છે. કે.જે. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ખાસ કરીને હીપ રીપ્લેશમેન્ટ અને ઘુંટણના સૌથી વધુ ઓપરેશનો કર્યા હોવાનું પણ ચોંકાવનારૂ તારણ બહાર આવ્યું છે. ડોકટર એટલે ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને આરોગ્યનું જતન કરનારી હોસ્પિટલમાં તમામ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ત્યારે નામાંકિત કે.જે. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં જેટલા પણ ઓપરેશનો ખાસ કરીને પીએમજેવાય યોજના અને મા વાત્સલ્ય કાર્ડ અંતર્ગત થયા હોય તે તમામની જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. બીનઅધિકૃત ડોકટર દ્વારા ૭૬ જેટલા ઓપરેશનો કરી નાખવામાં આવ્યા હોય અને ઓડીટમાં કે.જે. હોસ્પિટલના સંચાલકોએ સ્વીકાર પણ કર્યો છે ત્યારે આ હોસ્પિટલને માત્ર દંડ કે પેનલ્ટી અંગે નોટીસ આપવાથી કામ પુરૂ થતું નથી પરંતુ માનવ જીવન સાથે ચેડા કરનારી આ હોસ્પિટલને બ્લેકલીસ્ટમાં મુકવા અથવા તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરવા તેમજ સંબંધિત ડોકટરો સામે પણ પગલા લેવા જાેઈએ અને હોસ્પિટલનાં સીસીટીવી રેકોર્ડ તેમજ સારવારનાં કાગળો વગેરેની પણ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ થવી જાેઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.