અસહય મોંઘવારીથી સામાન્ય જનતાને મરણતોલ ફટકો

જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનાં સતત વધતા ભાવો ઉપર નિયંત્રણ જરૂરી : આર્થિક કટોકટીના સમયે સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી અપેક્ષા

અસહય મોંઘવારીથી સામાન્ય જનતાને મરણતોલ ફટકો

જૂનાગઢ તા. ર૫
જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનાં સતત વધી રહેલા ભાવોને કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે. આર્થિક  સંકડામણ વચ્ચે જીવવું મુશ્કેલ બની ગયું છે. અસહય મોંઘવારીને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે અને સર્વત્ર આર્થીક કટોકટી સર્જાઈ છે. તેવા સંજાેગોમાં ચીજવસ્તુઓનાં વધી રહેલા ભાવો ઉપર નિયંત્રણ જરૂરી બન્યું છે. સાથે જ આ અંગે ત્વરીત પગલા લેવાની માંગણી ઉઠવા પામી છે. ઉપરાંત આર્થિક કટોકટીનાં સમયમાં સરકાર દ્વારા મોંઘવારીનું રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા લોકોમાં રહેલી છે. 
જયારે-જયારે કોઈપણ આફત દેશ ઉપર ઉતરી આવે છે ત્યારે આમ જનતાની હાલત ખુબજ ખરાબ થઈ જતી હોય છે. કોરોના કાળનો સમય ‘જીવન કેમ બચાવવું’ તે મુખ્ય પ્રશ્ન રહયો હતો. કોરોનાનાં કારણે સેંકડો લોકો મોતનાં મુખમાં ધકેલાઈ ગયા હતા. 
કોરોના કાળ સમાપ્ત થયા બાદ થાળે પડતા ખુબજ સમય લાગ્યો હતો. વચલા ગાળામાં દુર્ઘટનાઓ, કુદરતી આપત્તિ, અતિવૃષ્ટી, વાવાઝોડા સહીતની આવી પડતી આપતીઓનો  લોકો મુકાબલો કરતા રહયા છે. દરમ્યાન છેલ્લા પાંચ વર્ષમાં મોંઘવારીએ પણ માજા મુકી છે. પ્રવર્તમાન સમયમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનાં સતત વધી રહેલા ભાવોને કારણે પરિસ્થિતી ખુબજ ગંભીર બનતી જઈ રહી છે. તેમાં પણ અમેરીકા, ઈરાન, ઈરાક, ઈઝરાયેલનાં યુધ્ધનાં કારણે ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ, ક્રુડ, ગેસની કટોકટી ઉભી થઈ છે.
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઈ દેશવાસીઓને સોનુ એક વર્ષ સુધી ન ખરીદવા તેમજ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો કરવાની અપીલ કરી છે. વડાપ્રધાનની અપીલને ખુબજ ગંભીરતાથી લેવમાં આવી રહી છે. દરમ્યાન હાલના સંજાેગોમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસની જરૂરીયાત સામે પુરતો પુરવઠો મળી રહેશે કે કેમ? તે પણ મોટો પ્રશ્ન છે. હાલ ડીઝલની અછત ઉભી થઈ છે અને તેનાં કારણે ટ્રાન્સપોર્ટેશન ઉપર ભારે અસર પહોંચી છે. માલનો ખુરવઠો આવતો નથી અને જેના કારણે  વિવિધ ચીજ વસ્તુઓનાં ભાવોમાં વધારો થઈ રહયો છે. 
શરૂઆત પેટ્રોલ, ડીઝલ અને કોમર્શિયલ ગેસનાં ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થઈ રહયો છે અને જેની સીધી અસર તમામ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ઉપર પડી છે. આજે માર્કેટમાં વેચાણ ભાવો વધી રહયા છે. દુધથી લઈને  દરેક વસ્તુઓમાં રૂા.ર/- થી લઈ રૂા.પ/- થી વધુનો ભાવફેર નોંધાયો છે. આજે દરેક વસ્તુઓ મોંઘી બની છે. ત્યારે સામાન્ય જનતાને જીવવું મુશ્કેલ બનતું જાય છે. સામાન્ય સર્વે કરવામાં આવે તો એક વ્યક્તિને  રોજ ચા થી લઈને ભોજન સુધીનું બે ટાઈમની વ્યવસ્થા ઓછામાં ઓછો દૈનિક ર૦૦ રૂપિયા સરેરાશ ગણીએ તો સામાન્ય રીતે ખર્ચ થાય છે. જેટલા સભ્ય હોય તે પ્રમાણે ખર્ચ વધતો જાય છે. આ ઉપરાંત લાઈટબીલ, રાંધણ ગેસ, કપડા, અનાજ પુરવઠો, શાકભાજી સહીતનો ખર્ચ, પરિવારમાં નાની મોટી બિમારીનો ખર્ચ બાળકોને ભણાવવાનો ખર્ચ સહીતનાં અઢળક ખર્ચાઓ રહેલા છે. એકતરફ ખર્ચ વધ્યો છે તો તેની સામે સામાન્ય લોકોની આવક ખુબજ સિમિત રહી છે અને નાના માણસો એક સાંધે ત્યાં તેર તુટે  જેવો ઘાટ સર્જાયો છે.  દિવસે ને દિવસે કાળઝાળ મોંઘવારીનાં અજગર ભરડામાં જનજીવન પીસાઈ રહયું છે. જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓમાં સતત વધી રહેલા ભાવોને અંકુશમાં રાખવા ખાસ ભાવ બાંધણું કરી નિયંત્રણમાં મુકવાની જરૂરીયાત છે. આ સાથે સરકાર દ્વારા આર્થિક કટોકટીનાં સમયમાં રાહત પેકેજ જાહેર કરવામાં આવ.ે તેવી લોકો અપેક્ષા રાખી રહયા છે. 

માજી વડાપ્રધાન મોરારજી દેસાઈનાં સમયકાળમાં ભાવ બાંધણું અમલી હતું
રેશનીંગની દુકાનો બંધ કરી દેવામાં આવી હતી
જૂનાગઢ તા. ર૩
આજે મોંઘવારીએ માજા મુકી છે. આવક કરતા જાવક વધારે..ની સમસ્યા વચ્ચે માણસ સતત આર્થિક સંકળામણ ભોગવી રહયો છે. અને જનજીવન પ્રભાવીત બનેલું છે. આજે કટોકટીનાં કપરા સમયમાં સૌ પસાર થઈ રહયા છીએ ત્યારે જુની પેઢીનાં લોકો વડાપ્રધાન મોરારજી દેસાઈની કામગીરીને યાદ કરી રહયા છે. 
ભારતમાં એક સમયે મોરારજી દેસાઈની સરકાર કાર્યરત બની હતી. વડાપ્રધાન મોરારજી દેસાઈ દ્વારા કેટલાક  પગલા લોકહિતમાં લીધા હતા. લોકો તેને આજે પણ ભુલ્યા નથી. તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ તેમનાં સમય કાળમાં સસ્તા અનાજની દુકાનો સંપુર્ણ બંધ કરાવી હતી તેમનું કહેવંુ હતું કે, મારા દેશની જનતા રેશનીંગની લાઈનમાં ઉભી જ ન રહેવી જાેઈએ. આ સાથે જ તેઓએ ખાંડ સહીતની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવો નકકી કરી ભાવ બાંધણું કર્યુ હતું અને જેના કારણે જનતાને કયારેય મોંઘવારી સહન કરવી પડી નહોતી. જાે કે અંદરો અંદરની મહાત્વાકાંક્ષાને કારણે તેમનો કાર્યકાળ એક વર્ષ જેવો રહયો હતો પરંતુ એ સમય લોકો માટે ખુબજ સારો હતો તેવું જુનાં માણસો યાદ કરે છે.