જૂનાગઢ મનપામાં દલાતરવાડી જેવો વહીવટ

રૂા. પ.૮૧ કરોડનું કામ જુની એજન્સીને આપી દેતા વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારનાં આક્ષેપો

જૂનાગઢ મનપામાં દલાતરવાડી જેવો વહીવટ
Mappls

જૂનાગઢ તા. ૧
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આડેધડ કરવામાં આવતી કામગીરીને કારણે ભારે વગોવાયેલું છે ઉપરાંત વિકાસ કામોમાં પણ ઠેકાણા વિનાના કામો સોંપી દઈ અને નાણાંનો ભારે વેડફાટ કરી રહયા છે. આ ઉપરાંત માનીતી એજન્સીઓને બેઠા થાળે કામ આપી દેવાનો સીલસીલો હજુ પણ ચાલુ જ રહયો છે. તાજેતરમાં જ સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં કેટલાક એવા નિર્ણયો લેવાયા જેને કારણે ભારે ચર્ચા જગાવી છે.  લેગેસી વેેસ્ટનાં નિકાલ માટે જે પ્રક્રિયા હાથ ધરાઈ અને જે ટેન્ડર આપ્યું હતું તેમાં પણ નવું ટેન્ડર અચાનક રદ કરી જુની એજન્સીને રૂા. પ.ર૧ કરોડનુંં કામ સોંપી દેવાને પગલે ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. વિરોધપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર સહિતનાં ઓક્ષેપો કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ ઈવનગર ડમ્પિંગ સાઈટ પર એકત્ર થયેલા ૧.૨૯ લાખ મેટ્રિક ટન લેગેસી વેસ્ટના નિકાલ માટે મનપાના સત્તાધીશોએ રાતોરાત યુ-ટર્ન લીધો છે.જે કામ માટે નવેમ્બરમાં નવું ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, તેને અચાનક રદ કરી દેવાયું છે અને જૂની એજન્સી જય વચ્છરાજ રોડવેઝને રૂપિયા ૫.૨૧ કરોડનું કામ પધરાવી દેવાનો ર્નિણય લેવાયો છે.
નિયમ મુજબ કોઈપણ કોન્ટ્રાક્ટમાં વધુમાં વધુ ૧૦% રકમનું કામ વધારી શકાય છે. પરંતુ અહીં સત્તાધીશોએ ૧૦૦% જેટલું તોતિંગ કામ જૂની એજન્સીને આપીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તા. ૨૧ નવેમ્બરની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ નં. ૧૯૯ દ્વારા અગાઉના પોતાના જ ઠરાવ નં.૧૭૬ ને રદ કરી આ ર્નિણય લેવાતા વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો છે. એક તરફ સ્વચ્છ ભારત મિશનની વાતો થઈ રહી છે ત્યારે બીજી તરફ કચરાના નિકાલમાં પારદર્શિતાના બદલે વહીવટી સેટિંગ થતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. નવા ટેન્ડરમાં કદાચ ઓછા ભાવ આવી શક્યા હોત, પરંતુ તે તક જતી કરીને મનપાએ પ્રજાના પૈસાનો ધુમાડો કર્યો હોવાનો સુર શહેરીજનોમાં ઉઠ્યો છે. દરમ્યાન મનપાના વિરોધપક્ષના નેતા લલિત પરસાણાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, શાસકોએ વહીવટમાં દલા તરવાડી જેવો ઘાટ ઘડયો છે. જૂન મહિનામાં આ એજન્સીનું ટેન્ડર પુરું થઈ ગયું હતું. ત્યારબાદ ચોમાસામાં કામ બંધ રહ્યું. નિયમ મુજબ નવું ટેન્ડર મંગાવવું જાેઈએ, જે મંગાવ્યું પણ હતું. પરંતુ અચાનક ૨૧ નવેમ્બરે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ઓનલાઈન ટેન્ડર રદ કરી દેવાયું અને જૂની એજન્સી જય વચ્છરાજ ને જ ૫.૨૫ કરોડનું કામ આપી દેવાયું. નિયમ મુજબ ૧૦% સુધીનો વધારો આપી શકાય, પરંતુ અહીં તો સીધું ૧૦૦% કામ વધારી અપાયું છે. સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉ વધારાનું કામ નામંજૂર કર્યું હતું, તો હવે એવું તે શું થયું કે પોતાનો જ ઠરાવ રદ કરી એજ એજન્સીને કામ આપી દીધું? આમાં સીધેસીધું સેટિંગ અને ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે.
આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે, આ ર્નિણય પાછળ કોઈ ભ્રષ્ટાચાર નથી પરંતુ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ની ગાઈડલાઈન મુખ્ય કારણ છે. દ્ગય્ ની સ્પષ્ટ સૂચના છે કે લેગેસી વેસ્ટનો નિકાલ તાત્કાલિક થવો જાેઈએ. જાે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરીએ તો દોઢથી બે મહિના નીકળી જાય તેમ છે અને ડિસેમ્બર કે જાન્યુઆરી સુધીમાં સાઈટ ક્લિયર કરવાની ડેડલાઈન છે. જાે કામ પૂરું ન થાય તો કમિશનર અને કોર્પોરેશનને મોટો દંડ થઈ શકે છે. કમિશનરે પણ લેખિતમાં દરખાસ્ત મુકી હતી કે સમય ઓછો હોવાથી અને ચોમાસામાં કચરો વધી ગયો હોવાથી હિતમાં ર્નિણય લેવો જરૂરી છે. તેથી અમે લીગલ અભિપ્રાય અને કમિશનરની ભલામણના આધારે જૂની એજન્સીને કામ ચાલુ રાખવા મંજૂરી આપી છે. વિશેષમાં કોર્પોરેશનમાં જે રીતે વહીવટ ચાલી રહયો છે તેને લઈને અનેક ફરીયાદો ઉચ્ચકક્ષાએ પણ પહોંચી છે. લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે ખરેખર તો પારદર્શક વહીવટ માટે મનપાના શાસકોએ કમરકસવી જાેઈએ તેવી પણ માંગ ઉઠવા પામી છે.