ગુજસીટોકનો આરોપી નામચીન ધીરેન કારીયાને પોલીસે ફરાર જાહેર કર્યો
૩૦ દિવસમાં કોર્ટમાં હાજર નહી થાય તો તેની મિલ્કત જપ્ત કરવા કાર્યવાહી થશે
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા ૧
જૂનાગઢનાં લીસ્ટેડ બુટલેગર તેમજ ગુજસીટોકનાં આરોપી એવા ધીરેન કારીયા સતત લાંબા સમયથી નાસતો ફરતો હોય તેને લઈને પોલીસે તેને વોન્ટેડ જારી કરી અને તેની મિલ્કત જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્દેશ આપેલ છે. જૂનાગઢ શહેરમાં આર્થિક ગુનાઓ અને મારામારી સહીતની અસામાજીક પ્રવૃતિઓ આચરતી કુખ્યાત ટોળકીના મુખ્ય સુત્રધાર ધીરેન કારીયા સામે પોલીસે કાયદાકીય સકંજાે મજબુત કર્યો છે.
ગુજસીટોક (ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ) હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા ધીરેન કારીયાને કોર્ટે ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. અને જાે તે ૩૦ દિવસમાં હાજર નહી થાય તો તેની તમામ મિલ્કતો જપ્ત કરવામાં આવશે.
સમગ્ર મામલે ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના જણાવ્યા અનુસાર ધીરેન કારીયા અને તેની સંગઠીત ગુનાહીત ટોળકી વિરૂધ્ધ એપ્રિલ ર૦રપમાં જૂનાગઢનાં સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં અગાઉ ધીરેન કારીયાના અન્ય સાગરીતોની ધરપકડ કરી લીધી છે અને તેમની સામે ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી છે. જાે કે મુખ્ય આરોપી ધીરેન કારીયા સતત પોલીસ પકડથી દુર ભાગતો ફરી રહયો છે. આરોપી પકડાતો ન હોવાથી પોલીસ દ્વારા ગુજસીટોક સ્પેશિયલ કોર્ટ રાજકોટમાં રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જેના પગલે કોર્ટેપહેલા ભારતીય નાગરીક સુરક્ષા સંહિત (બીએનએસએસ)ની કલમ ૭ર મુજબ ધરપકડ વોરંટ કાઢયું હતું. તેમ છતાં આરોપી હાજર ન થતં હવે કોર્ટે બીએનએસએસની કલમ ૮ર મુજબ ફરાર જાહેરનામું (વોરંટ) ઈસ્યુ કર્યુ છે.
હાલના જાહેરનામા મુજબ આરોપીને ૩૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જાે આ સમયગાળા દરમ્યાન ધીરેન કારીયા કોર્ટ સમક્ષ કે પોલીસ સમક્ષ હાજર નહી થાય તો કાયદાની કલમ ૮પ મુજબ તેની સ્થાવર અને જંગમ મિલ્કતો જપ્ત કરવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવશે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે હવે જાહેર માધ્યમોનો સહારો લીધો છે. કોર્ટનાં આદેશ મુજબ આરોપીના ફોટા સાથેના વોરંટના પોસ્ટરો શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.
પોલીસે જાહેર જનતાને પણ અપીલ કરી છે કે આ આરોપી વિશે કોઈપણ માહિતી હોય તો પોલીસને જાણ કરવી. માહિતી આપનારનું નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.


