પોલીસ મારી ફરિયાદ નથી લેતી : પોતે લખેલા નિવેદન પર સહી કરી આપવાનું દબાણ કરે છે : તુષાર સોજીત્રા

પોલીસ મારી ફરિયાદ નથી લેતી : પોતે લખેલા નિવેદન પર સહી કરી આપવાનું દબાણ કરે છે : તુષાર સોજીત્રા

જૂનાગઢ તા.7
જૂનાગઢ ભાજપના જ આગેવાન તુષાર સોજીત્રા પર ગઈકાલે બપોરે ૩.૩૦ કલાકના અરસામાં જૂનાગઢ શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં હુમલો થયા બાદ ઈજાગ્રસ્ત હાલતમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઘટના અંગે તુષાર સોજીત્રાનો સંપર્ક સાધવામાં આવતા તેમણે એવું કહ્યું હતું કે, પોલીસ મારી ફરિયાદ લેતી નથી. તેમણે એવું કહ્યું કે, ગઈકાલે રાત્રી દરમ્યાન ચાર થી પાંચ વાર પોલીસ તેમનું નિવેદન લેવા આવી હતી. પરંતુ હું જે રીતે નિવેદન લખાવું છું તે રીતે પોલીસ નિવેદન લખતી નથી. અને પોલીસ એમ કહે છે કે, અમે જે નિવેદન લખી દઈએ તેમાં તમે સહી કરી નાખો. પરંતુ અમે એ બાબતમાં તૈયાર નથી. મેં પોલીસને એમ જણાવ્યું છે કે, અમે જે નિવેદન આપીએ એ ખોટું નીકળે તો અમારી એફઆઈઆર તમે ફાઈલ કરી દેજાે. તો પોલીસ એમ કહે છે કે, એમ નહીં ! અમે એમ નહીં કરીએ. તેથી અત્યાર સુધી અમારૂ કોઈ પ્રાથમિક નિવેદન લેવામાં આવ્યું છે કે, ત્યાર પછીનું સ્ટેપ કોઈ ફરિયાદ લેવામાં આવી નથી. સાદી ભાષામાં એમ કહી શકાય કે, પોલીસ અમારી ફરિયાદ લેતી નથી. તેમ તુષારભાઈ સોજીત્રાએ સિવિલ હોસ્પિટલના બીછાનેથી ‘સૌરાષ્ટ્રભૂમિ દૈનિક’ સાથે વાત કરતા જણાવ્યું હતું. આ બનાવમાં ગંભીર બાબત એ છે કે, ભાજપના નેતાઓને બચાવવા માટે ખુદ પોલીસ જ ફરિયાદ લેતી ન હોય, તો સામાન્ય નાગરીકનું શું થતું હશે ? તે વિચારવા જેવી બાબત છે.

બાંટવાના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ, જ્યારે જૂનાગઢની ઘટનામાં પોલીસનું સંદિગ્ધ બેવડુ વલણ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બાંટવા નગરપાલીકાના પ્રમુખ સુનિલ જેઠવાણી પર હુમલો થયો તે બનાવમાં પણ આરોપી રામાભાઈ ગરચર ભાજપના જ કાર્યકર છે આ બનાવમાં પોલીસે સુનિલ જેઠવાણીની ફરિયાદ નોંધી લીધી છે. જયારે તુષાર સોજીત્રા અને મુન્ના ઓડેદરા પર થયેલા હુમલાના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધી રહી નથી. જે ઘણી વિચિત્ર બાબત છે.