જૂનાગઢ ઝાંઝરડા ચોકડી અગ્નિકાંડ પ્રકરણમાં ફરાર રહેલા મનપાનાં બેદરકાર ઈજનેરએ સરન્ડર કર્યુ
જૂનાગઢ તા.૯
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ખાતે તા.૭ મે, ર૦રપનાં રોજ સર્જાયેલા ગોઝારા અગ્નિકાંડ મામલે મોટો વળાંક આવ્યો છે. આ દુર્ઘટનામાં માતા અને માસૂમ બાળકી સહિત ત્રણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં ગુનાહિત બેદરકારી બદલ ફરાર રહેલા જૂનાગઢ મહાનગરપાલિકાના કાર્યપાલક ઈજનેર જયેન્દ્રસિંહ ઝાલાએ ગત મોડી રાત્રે જૂનાગઢ ડીએસપી કચેરી ખાતે આવીને સરેન્ડર કર્યું છે.
ઝાંઝરડા અગ્નિકાંડનાં બનાવમાં પ્રારંભિક તપાસમાં પોલીસે માત્ર જેસીબી ડ્રાઈવરની ધરપકડ કરીને કાર્યવાહી આટોપી લીધી હતી.જાેકે મૃતકોના પરિવારોને યોગ્ય ન્યાય અપાવવા માટે ગુજરાત હાઈકોર્ટે પોલીસને આ મામલે યોગ્ય દિશામાં સઘન તપાસ કરવા માટે સૂચના આપી હતી. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીઓની ભૂમિકા પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો,જેમાં કાર્યપાલક ઈજનેર જયેન્દ્રસિંહ ઝાલા અને આઉટસોર્સ વોર્ડ ઈજનેર વિવેક કાંચેલાનું નામ ખૂલ્યું હતું.?
આ સમગ્ર મામલે તપાસ કરી રહેલા જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ માહિતી આપી હતી કે અકસ્માત સર્જાયો તે સ્થળ વોર્ડ નંબર ૫માં આવતું હતું,જેના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર જયેન્દ્રસિંહ ઝાલા હતા. ભૂગર્ભ ગટર લાઈન માટે ઝાલાની મૌખિક સૂચનાના આધારે જ ખોદકામ ચાલી રહ્યું હતું. તપાસમાં સૌથી ગંભીર બેદરકારી એ સામે આવી કે, મનપા, (પીજીવીસીએલ) અને ગેસ એજન્સીના અધિકારીઓનું એક સંયુક્ત ‘યુટીલીટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર‘ વોટ્સએપ ગ્રૂપ ૨૦૨૧થી કાર્યરત છે. નિયમ મુજબ, કોઈપણ ખોદકામની કામગીરી શરૂ કરતા પહેલા આ ગ્રૂપમાં તેની પૂર્વ સૂચના આપવી અનિવાર્ય છે, જેથી ભૂગર્ભમાં પસાર થતી ગેસ કે વીજળીની લાઈનનું ચોક્કસ લોકેશન જાણી શકાય.જાેકે, ઈજનેર જયેન્દ્રસિંહ ઝાલાએ ઝાંઝરડા ચોકડી ખાતે ચાલી રહેલા ખોદકામની કોઈ જ માહિતી આ ગ્રૂપમાં આપી નહોતી. આ ગુનાહિત બેદરકારીના કારણે ખોદકામ કરનાર એજન્સીને ગેસ લાઈનનું સ્થાન નહોતું મળ્યું, પરિણામે જેસીબી ડ્રાઈવરે લાઈનને ડેમેજ કરી દીધી. લીક થયેલો ગેસ આસપાસની દુકાનોમાં ફેલાયો અને સિલિન્ડર બ્લાસ્ટ થતા આ ભયંકર અગ્નિકાંડ સર્જાયો, જેમાં ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.
આ બનાવ અંગે પોલીસ દ્વારા બંને અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેમને ઝડપી પાડવા માટે કોર્ટ મારફતે કલમ ૭૨ હેઠળ વોરંટની કાર્યવાહી શરૂ કરાઈ હતી. પોલીસની સઘન શોધખોળની જાણ થતાં જ મૂળ વડોદરાના વતની એવા જયેન્દ્રસિંહ ઝાલા મહાનગરપાલિકામાંથી રજા મૂકીને ફરાર થઈ ગયા હતા.જાેકે પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ ચાલુ હતી, ત્યારે ગઈકાલે મોડી રાત્રે પોલીસના દબાણ સામે ઝૂકીને કાર્યપાલક ઈજનેર જયેન્દ્રસિંહ ઝાલાએ જાતે જ ડીવાયએસપી કચેરી ખાતે આવીને આત્મસમર્પણ (સરેન્ડર) કર્યું છે. ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, સરેન્ડર બાદ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય પાસાઓ પર પણ તપાસ કરવામાં આવશે.


