ગુજસીટોકનાં ગુનામાં ફરાર કુખ્યાત બંગલા ગેંગનાં આરોપીની ધરપકડ - રીકન્સ્ટ્રકશન કરાયું

સમગ્ર જૂનાગઢ જીલ્લામાંથી સંગઠીત ગુનાખોરી અને માથાભારે તત્વોનાં અસ્તીત્વને નેસ્ત નાબુદ કરવાની પોલીસની કડક કાર્યવાહી

ગુજસીટોકનાં ગુનામાં ફરાર કુખ્યાત બંગલા ગેંગનાં આરોપીની ધરપકડ - રીકન્સ્ટ્રકશન કરાયું

જૂનાગઢ તા. ૮
જૂનાગઢ તાલુકાનાં સરગવાડા વિસ્તારમાં રહેતા ભાવેશ ઉર્ફે ભાવીન ખોડા બઢ, ગાંધીગ્રામમાં રહેતો કરશન ગલા મોરી, ઝાંઝરડા રોડ પર રહેતો દિલીપ ઉર્ફે દીલા ભગા છેલાણા, સરગવાડામાં રહેતો નિલેશ ઉર્ફે નીલુ ખોડા બઢ અને કોયલીમાં રહેતો જાદવ ઉર્ફે લાખો સાંગા હુણની બંગલા ગેંગ સામે ગુજસીટોક હેઠળ અગાઉ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત આરોપીઓએ ગેરકાયદેસર પ્રવૃતિઓ અને ગુનાખોરીમાંથી મેળવેલા રૂપિયાથી જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર એક બંગલો ખરીધ્યો હતો અને આ બંગલાને તેઓ પોતાનું કેન્દ્ર બિન્દુ બનાવી અને ત્યાંથી ગેંગ ઓપરેટ કરતા હતાં. પોતાને બંગલા ગેંગ તરીકે ઓળખાવી સામાન્ય જનતામાં ભયનો માહોલ કરતા હતાં. તેમજ આરોપીઓ લોકોનાં મકાન અને જમીન પચાવી પાડી ખંડણી ઉઘરાવી અને મારામારી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા હતાં. દરમ્યાન આ આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટમાંથી બીનમુદતી વોરન્ટ કઢાવી અને ચારેય આરોપીઓનાં ફોટા સાથેનાં પોસ્ટર લગાવી શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં તેમની પ્રસિધ્ધી કરવામાં આવી હતી. આ દરમ્યાન પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને ગઈકાલે દિલીપ ઉર્ફે દીલા ભગા છેલાણાની અટક કરી અને તેનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. ગુનાખોરી આચરતા તત્વોની કાયદાનાં સંકજામાં આવ્યા બાદ તેનો પાવર અને દાદાગીરી બધુ ઉતરી જાય છે તેવું ભાન આ બંગલા ગેંગનાં આરોપીને કરાવી દીધુ હતું અને આવા તત્વોની ધાક અને ભયનું સામ્રાજય આમજનતામાંથી દુર થાય તેવી કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. 
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ જિલ્લામાં સંગઠિત ગુનાખોરી અને માથાભારે તત્વોના અસ્તિત્વને જડમૂળથી નાશ કરવાના ભાગરૂપે, પોલીસ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સંગઠિત ગુનાહિત ઈતિહાસ ધરાવતી ૫ આરોપીઓની ગેંગ વિરુદ્ધ ગુજસીટોક-૨૦૧૫ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આ ગુનાનો મુખ્ય સૂત્રધાર દિલીપ ઉર્ફે દિલા છેલાણાની ધરપકડ કરીઅલગ અલગ જગ્યાએ લઈ જઈને ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
પોલીસની કડક કાર્યવાહી અને પૂછપરછના કારણે લંગડાતી હાલતમાં જાેવા મળેલા આરોપી દિલીપ છેલાણાએ જણાવ્યું હતું કે, "હવે કોઈ ગેંગ બનાવશો નહીં કે કોઈ દારૂ, જુગાર કે રેતીના ગેરકાયદેસર ધંધા કરતા નહીં. બંધ કરી દેજાે.
ગેંગના અસ્તિત્વને નાબૂદ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ કે.એમ. પટેલ દ્વારા પાંચ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ સહિતના મજબૂત પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિગતવારનો રિપોર્ટ જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક પાસેથી મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. આ મંજૂરી મળતાં જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુજસીટોક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. આ ગુનાની વધુ તપાસ જુનાગઢ રૂરલ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમારને સોંપવામાં આવેલી છે
ગુનો દાખલ થયા બાદ પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ આરોપી નંબર કરશન ગલ્લાભાઈ મોરીની ધરપકડ કરવામાં આવી હતી. જાેકે અન્ય આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા-ફરતા હતા, તેમના ઘરે અને સંભવિત ઠેકાણાઓ પર ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. નાસતા-ફરતા આરોપીઓ વિરુદ્ધ રાજકોટ કોર્ટમાંથી બીએનએસએસ કલમ-૭૨ મુજબનું બિનમુદતી વોરંટ પણ કઢાવવામાં આવ્યું હતું. આ બહોળી પ્રસિદ્ધિ વચ્ચે, જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને કર્મચારીઓને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ગઈકાલે ગેંગના મુખ્ય આરોપી અને લીડર દિલીપ ઉર્ફે દિલા ભગાભાઈ છેલાણાને ઝડપી પાડવા આવ્યો હતો. પકડાયેલો આરોપી દિલીપ ઉર્ફે દિલા છેલાણા વિઠલેશ ધામ, ઝાંઝરડા રોડ, જુનાગઢ ખાતે રહે છે.
ગુજસીટોક ધારા હેઠળ નોંધાયેલા આ સંગઠિત ગુનામાં પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓમાં અગાઉ કરશન ગલ્લાભાઈ મોરી અને ગઈકાલે પકડાયેલ ગેંગનો મુખ્ય આરોપી દિલીપ ઉર્ફે દિલા ભગાભાઈ છેલાણાની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે આ ગુનાના કામે અન્ય ૩ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર અને વોન્ટેડ છે, જેમાં ભાવેશ ઉર્ફે ભાવીન ખોડાભાઈ બઢ (રહે. સરગવાડા ગામ), નિલેશ ઉર્ફે નીલુ ખોડાભાઈ બઢ (રહે. સરગવાડા ગામ), અને જાદવ ઉર્ફે લાખો સાંગાભાઈ હુણ (રહે. કોયલી) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આરોપીઓ સાથે સંકળાયેલા અન્ય સભ્યો અંગેની તપાસ ડીવાયએસપી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ચાલુ છે.
આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર કે.એમ. પટેલ, હેડ કોન્સ. વનરાજસિંહ બનેસિંહ, આઝાદસિંહ મુળુભાઈ, ઇન્દ્રજીતસિંહ રણવિરસિંહ, પો.કોન્સ. ચેતનસિંહ જગુભાઈ સહિતના પોલીસ સ્ટાફે સાથે રહીને આ મહત્વની 
કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે. વિશેષમાં આ ગેંગનાં બાકી રહેલા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે.