જૂનાગઢની સરકારી કન્યા છાત્રાલયનાં ભોજનમાં જીવાતો નીકળતા હોબાળો

છાત્રાલયમાં રહેતી ર૬૦ જેટલી દિકરીઓનાં સ્વાસ્થ્ય સાથે ચેડા બાબતે ગંભીર ફરીયાદો થતા ભારે દોડધામ

જૂનાગઢની  સરકારી કન્યા છાત્રાલયનાં ભોજનમાં જીવાતો નીકળતા હોબાળો

જૂનાગઢ તા. ૧૩
જુનાગઢ કલેક્ટર કચેરી નજીક આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી આશરે ૨૩૦ જેટલી દીકરીઓના જીવન અને સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. ગઈકાલે મોડીરાત્રે ભોજનમાં ઈયળો-જીવાત નીકળવી, બેડશીટ વગરના ગાદલા, ખંડેર હાલતના શૌચાલયો અને ટપકતી છત જેવી અનેક સમસ્યાઓથી કંટાળીને વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર મામલો દબાવવા માટે ભારે ધમપછાડા થયા હતા અને શરૂઆતમાં મીડિયાને હોસ્ટેલની અંદર જવા ન દીધું. બાદમાં હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવતા મીડિયા અંદર પહોંચ્યું હતું.
આ મામલે વિદ્યાર્થિનીઓ સાથે વાત કરતા તેઓએ ગંભીર આક્ષેપો સાથે જણાવ્યું કે, જ્યાંરે જમવામાં જીવાત નીકળે અને અમે વોર્ડનને ફરિયાદ કરીએ તો કહે કે, અહીં ખાવા આવો છો કે ભણવા.... તમારા એડમિશન રદ કરી નાખીશ. આ સાથે જ ૯ નવેમ્બરે જ્યારે મંત્રી ડો. પ્રદ્યુમન વાજા આ હોસ્ટેલની મુલાકાતે આવ્યાં, ત્યારે રસોઈયાઓએ ગ્લોઝ-ટોપી પહેરી રાખી અને બાકી ૩૬૫ દિવસ લોલમ લોલ ચાલતું હોવાના પણ વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યા હતાં.
ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, એમને જમવાનું સારું આપવામાં આવતું નથી અને તેમાં વારંવાર જીવાતો, ઈયળ અને ક્યારેક સંભારામાં સાવરણાની સળીઓ પણ નીકળે છે. હોસ્ટેલના મેનુ મુજબ ભોજન ક્યારેય બનતું નથી. વારંવાર માત્ર બટેટાનું શાક જ બનાવવામાં આવે છે, જે પાણી જેવું હોય છે અને રોટલીઓ કાચી હોય છે.
હોસ્ટેલમાં ૭ વર્ષથી રહેતી અન્ય એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, તેઓ અહીં રહીને ભણવા માટે આવ્યા છે, આંદોલન કરવા માટે નહીં. રસોયા દ્વારા એટલું ખરાબ જમવાનું બનાવવામાં આવે છે કે, દીકરીઓનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે. ખરાબ જમવાના કારણે દીકરીઓને વારંવાર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ છે, જેની સારવાર કરાવવા જતાં હોસ્પિટલમાંથી સ્પષ્ટ રિપોર્ટ આવ્યા છે કે, આ સમસ્યાઓ ફૂડ પોઈઝનિંગના કારણે સર્જાય છે. અમારી જ્યાં સુધી લિમિટ હતી, ત્યાં સુધી આ સહન કર્યું. ભોજનમાં ભ્રષ્ટાચાર ઉપરાંત, હોસ્ટેલની ભૌતિક સુવિધાઓની હાલત પણ અત્યંત દયનીય છે. છેલ્લા ૫ વર્ષથી અહીં રહેતી વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં અહીં કોઈપણ પ્રકારનો બદલાવ આવ્યો નથી અને એક પણ સુવિધા આપવામાં આવતી નથી. વિદ્યાર્થિનીઓના રૂમમાં બેડસીટ પણ નથી, જેના કારણે તેઓ એમનેમજ ગાદલા પર સૂવે છે. ઓશિકાઓની હાલત પણ અતિ ખરાબ છે. સરકારી હોસ્ટેલના શૌચાલયો અને બાથરૂમમાં પણ પોપડા પડી રહ્યા છે અને ખંઢેર હાલતમાં જાેવા મળે છે. છાત્રાલયની છતમાંથી પાણી પડે છે, જેના કારણે ચોમાસામાં અતિશય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, રૂમમાં વિદ્યાર્થિનીઓને પોતાનો સામાન વ્યવસ્થિત રાખવાની પણ જગ્યા નથી અને ન છૂટકે સામાન વેરવિખેર રાખવો પડે છે. વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલના સંચાલકો પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગત તા.૯ નવેમ્બરના રોજ રાજ્ય સરકારના સમાજ કલ્યાણ અને શિક્ષણ કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા આ હોસ્ટેલની મુલાકાતે આવ્યા હતા, ત્યારે માત્ર ફોટો સેશન કરવા માટે જ અધિકારીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, જ્યારે મંત્રી અહીં આવ્યા હતા, ત્યારે રસોયાઓએ હાથમાં ગ્લોવ્ઝ અને માથામાં ટોપી પહેરી રાખ્યા હતા, પરંતુ ૩૬૫ દિવસ ગમે તેવા હાથે રસોઈ બનાવવામાં આવે છે. જે સમયે મંત્રી અહીં આવ્યા, ત્યારે રાતના ૧૦ વાગ્યા સુધી હોસ્ટેલના કર્મચારીઓ અને સિક્યુરિટી હાજર રહ્યા હતા, જ્યારે સામાન્ય દિવસોમાં આવું જાેવા મળતું નથી. વિદ્યાર્થિનીઓએ મંત્રીને કહ્યું હતું કે, તમે હાલ જે જાેઈ રહ્યા છો તે વાસ્તવિકતા નથી, પરંતુ આડા દિવસે આવો તો ખ્યાલ આવે કે આ હોસ્ટેલની સાચી હકીકત શું છે...
આજે જ્યારે હોસ્ટેલમાં ચાલતી લોલમલોલ અને ભ્રષ્ટાચારની ફરિયાદ લઈને મીડિયા પહોંચ્યું, ત્યારે વિદ્યાર્થિનીઓને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર બાબતને દબાવી દેવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો અને મીડિયાને અંદર આવવા દીધું નહોતું. જાેકે, ના છૂટકે હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ હોબાળો કરતાં મીડિયા 
અંદર પહોંચ્યું હતું. રજૂઆત કરવા માટે મીડિયાને બોલાવ્યા 
ત્યારે તેમને ધમકાવવામાં આવ્યા અને હોસ્ટેલના વોર્ડન દ્વારા કહેવામાં આવ્યું કે, જેણે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે, તેના એડમિશન રદ કરી નાખવામાં આવશે. સમાજના નામે આવેલા દલાલો પણ આ મુદ્દો દબાવી દેવા માટે દબાણ કરતા હતા. એક વિદ્યાર્થિનીએ સવાલ ઉઠાવ્યો કે, જ્યારે દીકરીઓને આટલો પ્રોબ્લેમ અને પરેશાની હતી, ત્યારે આ સમાજના લોકોને શા માટે કંઈ દેખાતું નહોતું. વિદ્યાર્થિનીઓના આ ગંભીર આક્ષેપો બાદ, સમાજ કલ્યાણ અધિકારી અને ઇન્ચાર્જ નાયબ નિયામક અનુ.જાતિ સમાજ, ચેતન પવારે તાત્કાલિક નિવેદન આપ્યું હતું. તેમણે સ્વીકાર્યું કે, આજે કન્યા છાત્રાલયમાં જમવા બાબતે હોબાળો થયો છે, જેમાં જમવાની ગુણવત્તા દીકરીઓને નબળી લાગી અને ભોજનમાં જીવાત નીકળવાની બાબતે રજૂઆત કરવામાં આવી છે. હોસ્ટેલમાં રહેતી દીકરીઓ દ્વારા જે અન્ય પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી છે, તેની એક યાદી તૈયાર કરવામાં આવશે અને વહેલી તકે નિરાકરણ લાવવાના પ્રયત્નો કરાશે. હોસ્ટેલના વોર્ડન અને રસોયા વિરુદ્ધ જે ફરિયાદ કરવામાં આવી છે, તેને લઈને પણ તાત્કાલિક તપાસ કરવામાં આવશે. જાે તપાસમાં યોગ્ય પ્રશ્ન લાગશે, તો વોર્ડનને પણ બદલી નાખવામાં આવશે.
સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે, જ્યાં સુધી વિદ્યાર્થિનીઓએ પોતાની લિમિટ નહોતી વટાવી, ત્યાં સુધી ખરાબ ભોજન, અપૂરતી સગવડ અને સ્વાસ્થ્ય સાથેના ચેડાં સતત ચાલુ હતા. હવે અધિકારીઓ દ્વારા તાત્કાલિક પગલાં લેવાય અને દીકરીઓને યોગ્ય સુવિધાઓ મળે તે જરૂરી છે.