માંગરોળ-ઉનામાં કાશ્મીરથી આવેલા 2 શખ્સોને શંકાસ્પદ ગતિવિધિના કારણે SOGએ ઝડપ્યા
ગત 10 નવેમ્બર, 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને લઈ હાલ ગુજરાત હાઇ એલર્ટ પર છે. સમગ્ર પોલીસ તંત્ર શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ વચ્ચે આજે જૂનાગઢ એસઓજીએ માંગરોળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરીઓને ઝડપ્યાં છે.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ SOGને બાતમી મળતાં માંગરોળ શહેરમાં ખાનગી હોસ્પિટલ નજીકથી બે શંકાસ્પદ કાશ્મીરી યુવકોની અટકાયત કરવામાં આવી છે અને તેને પૂછપરછ માટે જૂનાગઢ SOG ખાતે લાવવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ બંને કાશ્મીરી શખસો માંગરોળ તેમજ આસપાસની મદ્રેસાઓમાંથી ફાળો ઉઘરાવતા હતા. આ બંને શંકાસ્પદ યુવકો જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના રહેવાસી છે. એકની ઉંમર 27 વર્ષ અને બીજાની ઉંમર 20 વર્ષ છે. બંને કાશ્મીરી ભાઈઓ ટ્રેન મારફત માંગરોળ પહોંચ્યા હતા અને અહીં એક હોટેલમાં રોકાયા હતા.
SOG દ્વારા આ બંને શંકાસ્પદ યુવકોના ગુજરાતમાં આવવાના હેતુ, તેમની પ્રવૃત્તિઓ અને દિલ્હી બ્લાસ્ટ સાથે સંભવિત જોડાણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
જ્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદરમાં પોલીસે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. કાશ્મીરથી આવેલા આ શખ્સો એક મસ્જિદમાં રોકાયા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, પૂછપરછમાં તેમની પાસેથી કોઈ શંકાસ્પદ બાબત મળી આવી નથી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ત્રણેય વ્યક્તિઓ ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી.આ સમગ્ર ઘટના બાબતે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન પી.એસ.આઈ. જેબલિયા નો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે જે 3 કાશ્મીરી શખ્સોની પૂછપરછ કરી છે તેમાંથી કોઈ બાબત હાલ શંકાસ્પદ જણાતી નથી.તેમ છતાં પણ હાલ આ બાબતે પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


