માંગરોળ હાસુજમાદાર મસ્જિદના ટ્રસ્ટીઓએ આવેદનપત્ર આપી ગુલિસ્તાન સ્કૂલનો ઈમલો ઉતારી લેવા માંગ કરી

કેશ પાછો ખેંચી લે તો અમે રીપેરીંગ કરવા તૈયાર : સ્કૂલ સંચાલક
શહેરમાં અનેક જર્જરીત ઈમારતોને લઈને અલગ અલગ દાવપેચ.
માંગરોળ તા. 09/09/2025
જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ગત ગુરુવારે ચા બજારમાં એક જર્જરીત ઈમારત ધરાશાયી થતાં બે નિર્દોષોના મોત નીપજ્યા હતા. જેને પગલે શહેરમાં અઢળક જર્જરીત ઈમારતો આખે ચઢી છે. એક તરફ ચા બજારના બનાવને પગલે પાલિકાના ચીફ ઓફિસરને મુખ્ય આરોપી બનાવવાની માંગ દિવસે દિવસે વધતી જાય છે તો બીજી તરફ શહેરની અઢળક જર્જરીત ઈમારતોને લઈને અનેક પ્રકારના દાવપેચમાં શરૂ થઈ ગયા છે. ચા બજારની ગંભીર ઘટના બાદ મામલતદાર અને પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. અને શહેરની જોખમી ઈમારતો ઉતરી લેવાની કામગીરી હાથ ધરી છે. પરંતુ કેટલીક જર્જરીત ઈમારતો ઉતારવામાં આખ આડા કાન કરવામાં આવતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
શહેરમાં ચાલતી આવી તમામ ઘટનાઓ દરમિયાન આજે માગરોળની હાસુજમાદાર મસ્જિદના ટ્રસ્ટીઓએ મામલતદાર અને ચિફ ઓફિસરને આવેદનપત્ર આપી ટ્રસ્ટની માલિકીની બિલ્ડીંગમા ચાલતી ગુલિસ્તાન સ્કૂલનો ઈમલો ઉતારી લેવા ઉગ્ર માંગ કરી હતી. મસ્જિદના ટ્રસ્ટીઓ એવો આક્ષેપ કરી રહ્યા છે કે, હાસુજમાદાર મસ્જિદના ટ્રસ્ટની માલિકીની બિલ્ડીંગમા ભાડુઆતની ગુલિસ્તાન પ્રાથમિક શાળા ચાલે છે. જેમાં 500 જેટલા બાળકો અભ્યાસ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ બિલ્ડિંગ જર્જરીત હાલતમાં છે. જેના લાકડા પીઢીયામા સડો પડી ગયો છે. બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોય તેની ભાડુઆતને જાણ હોવા છતાં ગુલિસ્તાન સ્કૂલના સંચાલક અને ભાડુત જર્જરીત બિલ્ડીંગમા સ્કૂલ ચલાવે છે અને પાંચસો બાળકોનું જીવ જોખમમાં મૂકી રહ્યા છે. તેઓને લેખિત મૌખિક કહેવા છતા બિલ્ડીંગ ખાલી કરતા નથી તેવા આક્ષેપો સાથે મસ્જિદના ટ્રસ્ટીઓએ સ્કૂલનો ઈમલો ઉતારી લેવા પાલિકા અને મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર માંગ કરી છે. અને જો બિલ્ડીંગ તાત્કાલિક ધોરણે ઉતારવામાં નહી આવે અને કોઈ અઘટિત ઘટના બનશે તો તેના જવાબદાર ચિફ ઓફિસર જ ગણાશે તેવી ચીમકી પણ આપી હતી. જોકે અગાઉ પણ આ બાબતે માંગરોળ પાલિકાએ જર્જરીત બિલ્ડીંગ અંગે ગુલિસ્તાન સ્કૂલના સંચાલક ઉમરફારૂકભાઈ ગરીબાને નોટિસ આપી હોવાનું જાણવા મળે છે. પરંતુ યેનકેન પ્રકારે બિલ્ડીંગ હજુ સુધી ઉતારવામાં ના આવતા કોઈ રાજરમત રમાઈ રહી હોવાનું મસ્જિદના ટ્રસ્ટીઓએ આક્ષેપ કર્યો હતો.
આ બાબતે ગુલિસ્તાન પ્રાથમિક શાળાના ટ્રસ્ટી ઉમરફારૂકભાઈ ગરીબાએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 34 વર્ષથી ભાડુઆત છીએ અને ત્યા પ્રાથમિક શાળા ચલાવીએ છીએ. ડબલ પાળીમા ધોરણ એકથી આઠમા 500 જેટલા બાળકો અભ્યાસ કરે છે. અમે શરત મુજબ દર ત્રણ વર્ષે પાંચસો રૂપિયા ભાડુ પણ વધારીએ છીએ. હાલ ચાર હજાર રૂપિયા માસિક ભાડું આપીએ છીએ. બિલ્ડીંગ જર્જરીત હોવાની પાલિકાની અમને કોઈ નોટિસ મળી નથી..! જર્જરીત બિલ્ડીંગમા તમે બાળકોના જીવને જોખમ કેવી રીતે મુકી શકો? એનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું આ અંગે કોર્ટમાં કેશ ચાલું છે અને નામદાર કોર્ટે જ સર્વે કરીને જણાવ્યું હતું કે આ બિલ્ડિંગ જર્જરીત નથી. ગઈકાલે ચિફ ઓફિસર પણ તપાસમાં આવ્યા હતા તેમણે પણ કીધું કે બિલ્ડીંગ જર્જરિત નથી. તમે બિલ્ડીંગ રીપેરીંગ કેમ નથી કરાવતા? તેનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે મસ્જિદના ટ્રસ્ટે અમારી પર કેશ કર્યો છે જે પાછો ખેંચી લે તો અમે અમારા ખર્ચે રીપેરીંગ કરવા તૈયાર છીએ.
માંગરોળ વાણીયાવાડ મા વધુ એક જર્જરીત ઈમારતને લઇને વિવાદ ઉભો થયો હતો. ગઇકાલે પાલિકા તંત્રએ એ બંધ પડેલી જર્જરીત બિલ્ડીંગ ઉતારવાની કામગીરી હાથ ધરતા કબજેદારોએ વિરોધ કરતા કામગીરી બંધ કરી દીધી હતી. પરંતુ આજે લત્તાવાસીઓએ રસ્તો બંધ કરી જર્જરીત બિલ્ડીંગ ઉતારી લેવાની માંગ કરવામાં આવતા પાલિકા દ્વારા ફરી એ બિલ્ડીંગ નો ઈમલો ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે પણ રાજકીય વગદારો જોરે કામ બંધ કરવામાં આવ્યું હોવાનું લત્તાવાસીઓએ આક્ષેપ કર્યો હતો.
યુસુફ ચુડલી માંગરોળ


