ઈતિહાસ પ્રત્યેના પ્રેમે “મુસાફિરી’ની પ્રેરણા આપીઃ અભિનેત્રી રિચા ચઢ્ઢા
રિચા ચઢ્ઢા કહે છે, આ સિરીઝ લોકોને આપણા વારસાને નવી નજરથી જોવાની પ્રેરણા આપશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૭
અભિનેત્રી અને નિર્માતા રિયા થકા પોતાના પ્રોડક્શન હાઉસ પુશિંગ બટન્સ સ્ટુડિયોઝ હેઠળ નિર્મિત નવી નોન-ફિક્શન સિરીઝ 'મુસાફિરી' લઈને આવી રહી છે. ભારતના ઈતિહાસ, સંસ્કૃતિ અને વારસાને અનોખી રીતે રજૂ કરતી આ સિરીઝ માટે રિયાને પોતાનાં ઈતિહાસ વિષય પ્રત્યેના પ્રેમ અને અભ્યાસમાંથી પ્રેરણા મળી છે.રિયા માટે ઈતિહાસ માત્ર ભુતકાળની ઘટનાઓનો સંગ્રહ નથી, પરંતુ સમાજ, લોકો અને સંસ્કૃતિને સમજવાનો માર્ગ છે. ઇતિહાસના અભ્યાસ, સતત વાંચન અને દેશભરના પ્રવાસોએ “મુસાફિરી'ની કલ્પનાને આકાર આપ્યો છે. આ સિરીઝ માત્ર ઐતિહાસિક સ્મારકો અથવા તારીખો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ ભારતની ઓળખ વડનાર લોકો, પરંપરાઓ, ભુલાઈ ગયેલી કથાઓ અને સાંસ્કૃતિક વારસાને પણ ઉજાગર કરશે. આ સિરીઝ દેશના અનેક ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોની મુલાકાત લેશે. આકર્ષક સિનેમેટિક દૃશ્યો, સ્થાનિક લોકોના અનુભવો અને જીવંત વાર્તાઓ દ્વારા દર્શકોને ભારતના વારસાનો નવો પરિચય કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. સાથે જ, મુખ્ય પ્રવાહથી દૂર રહેલી અનેક અનોખી કથાઓને પણ આ સિરીઝમાં સ્થાન મળશે. પ્રોજેક્ટ વિશે વાત કરતાં રિચા ચઢ્ઢાએ જણાવ્યું, “બાળપણથી જ ઈતિહાસ મારો સૌથી પ્રિય વિષય રહ્યો છે. મને હંમેશા લાગતું હતું કે ઇતિહાસ આપણને લોકો, સમાજ અને આજની સ્થિતિ સુધી પહોંચવાની સફરને સમજવામાં મદદ કરે છે. વર્ષો દરમિયાન પ્રવાસ, લોકો સાથેની વાતચીત અને વાંચનથી મારી આ જિજ્ઞાસા વધુ મજબુત બની છે. મુસાફિરી' એ જ વ્યક્તિગત રસનું પરિણામ છે. હું એવી સિરીઝ બનાવવા માંગતી હતી, જે માત્ર સુંદર સ્મારકો કે દૃશ્યો નહીં, પરંતુ તે સ્થળોને અર્થ આપતી વાર્તાઓ, સ્મૃતિઓ અને સમુદાયોને પણ રજૂ કરે. ભારત પાસે અદભૂત સાંસ્કૃતિક સમૃદ્ધિ છે અને પાઠયપુસ્તકોની બહાર પણ અનેક એવી કથાઓ છે, જે લોકો સુધી પહોંચવી જોઈએ. મને આશા છે કે આ સિરીઝ લોકોને આપણા વારસાને નવી નજરથી જોવાની પ્રેરણા આપશે અને તેઓ દેશને વધુ જિજ્ઞાસા અને પ્રશંસાભાવ સાથે ઓળખવાનો પ્રયાસ કરશે. જો એક એપિસોડ જોયા પછી દર્શકો કોઈ સ્થળ અથવા તેના ઈતિહાસ વિશે વધુ જાણવા ઇચ્છે, તો અમારો હેતુ સફળ થયો માનીશું.” મુસાફિરી સાથે પુલિંગ બટન્સ સ્ટુડિયોઝ અર્થસભર અને ગુણવત્તાસભર કન્ટેન્ટ રજૂ કરવાની પોતાની દિશાને વધુ મજબુત બનાવી રહ્યું છે. આ નોન-ફિક્શન સિરીઝ સાંસ્કૃતિક શોધખોળ અને આકર્ષક વાર્તાઓનાં સમન્વય દ્વારા દર્શકોને ભારતના સમૃદ્ધ વારસાનો અનોખો અનુભવ કરાવશે અને એવી અનેક કથાઓને ઉજાગર કરશે, જે વધુ વ્યાપક ઓળખ મેળવવાની હકદાર છે.


