વોકિંગ ક્લબ દ્વારા તા.ર૧ ડિસેમ્બરના જૂનાગઢથી જામવાળા(ગીર)ની સાયકલોથોન યોજાશે
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૩
મહાનગર જૂનાગઢની જાણીતી વોકિંગ ક્લબ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભારત સરકારની ફિટ ઇન્ડિયા મુવમેન્ટને ટેકો આપવાના ઉમદા હેતુથી જૂનાગઢથી જામવાળા સુધીની ૧૦૫ કિલોમીટરની સાયકલોથોનનું આયોજન કરવામાં આવેલ છે. કોરોના રસીકરણ જાગૃતિ માટેની વર્ષ ૨૦૨૧ની જૂનાગઢથી સોમનાથ, સેવા પરમો: ધર્મના હેતુ સાથેની વર્ષ ૨૦૨૨ની જૂનાગઢથી દ્વારિકા, વર્ષ ૨૦૨૩ની સેવ નેચર કેર નેચરના હેતુ સાથેની જૂનાગઢથી તુલસીશ્યામ તથા ૨૦૨૪ની જૂનાગઢ પોલીસની સેનો ટુ ડ્રગ્સની મુહિમને ટેકો આપવા માટેની સફળ સાયકલ યાત્રા બાદ હવે મહાનગર જૂનાગઢની જાણીતી વોકિંગ ક્લબ લાવે છે વર્ષ ૨૦૨૫ માટે જૂનાગઢથી જામવાળા(ગીર)ની સાયકલોથોન. આ સાયકલોથોન આગામી તારીખ ૨૧-૧૨-૨૦૨૫ રવિવારના રોજ યોજવામાં આવી રહી છે. ભારત સરકારની ફિટ ઇન્ડિયાની અગત્યની પહેલને આવકારવાનો આ નાનો સકારત્મક પ્રયાસ છે. આ યાત્રાનો હેતુ સામાજિક જાગૃતિનો છે. આ કોઈ સ્પર્ધા નથી ફક્ત ફન વિથ સોશ્યિલ મોટ્ટો રાઈડ છે તેથી કોઈ નંબર કે ઇનામ નથી. વોકિંગ ક્લબના મુખ્ય સભ્ય ડો. કે.પી. ગઢવી તરફથી તેમના નાના ભાઇ સ્વ. સનમિતભાઈ પી. ગઢવીના સ્મરણ અર્થે કે જેઓ પોતે ફિટનેસ માટે આઇકોન હતા માટે તેમને યોગ્ય સ્મરણજલિ આપવા તથા વોકિંગ ક્લબના સેવા પરમો ધર્મના હેતુ માટે જે રાઇડર જેટલા કિલોમીટર સાયકલ ચલાવશે તેટલા કિલોમીટર દીઠ રૂા.૧ કોઈપણ જરૂરિયાતવાળી વ્યક્તિ કે સંસ્થાને દાન સ્વરૂપે આપવામાં આવશે. તેથી દરેક સભ્યોને વિનંતી છે કે આ વખતની રાઈડમાં બહોળી સંખ્યમાં ભાગ લઇ ફિટનેસ આઇકોન એવા સ્વ. સનમિતભાઈ પી. ગઢવીને સાચી સ્મરણ અંજલિ અર્પિયે. આ સાયકલોથોનમા ભાગ લેવા માટે તારીખ ૨૦-૧૧-૨૦૨૫ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. વોકિંગ ક્લબ તરફથી દરેક રાઇડરને એક ટી શર્ટ, સમગ્ર રાઈડ દરમિયાન કોઈ તબીબી સહાયની જરૂરિયાત સમયે જરૂરી સહાય, સાયકલ મિકનિકની ઉપલબ્ધતા, ચા કોફી નાસ્તો, બપોરે જમવાનું તથા રાઈડ પુરી થયે સાયકલ જૂનાગઢ પરત લઇ આવવાની વ્યવસ્થા પણ આપવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્યાર સુધીમાં અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, ભરૂચ વગેરે જેવા શહેરોમાંથી બહોળી સંખ્યામાં રાઇડર રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે તેમજ આ શહેરોની વિવિધ સાયકલ રાઇડર ક્લબ, સાયકલિંગ ગ્રુપ વગેરેનો ખુબ જ સારો પ્રતિસાદ સાપડેલ છે. આ સાયકલોથોન ન્યૂ લાઈફ કેર હોસ્પિટલના ડો. કે.પી. ગઢવી, સ્પર્શ ઈ એનટી તથા ફિઝીયોથેરાપી હોસ્પિટલના ડો. રક્ષિત પીપલીયા, અમદાવાદની જાણીતી આનંદ હોસ્પિટલના કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો. મુકુલ ત્રિવેદી, શુભમ હોસ્પિટલના ડો. કલ્પેશ બાખલકિયા, સ્મિત ઇન્ટરનેશનલના કલ્પેશભાઈ હિંડોચા તથા સ્ડ્ઢઇ્ ફાઇનાન્શ્યલ એડવાઇઝર સફી દલાલના આર્થિક સહયોગથી યોજવામાં આવી રહી છે. જૂનાગઢ વોકિંગ ક્લબના બધા જ સભ્યો આ રાઇડને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. આ માટેની તથા રજીસ્ટ્રેશન માટેની વધુ વિગત માટે ડો. કે.પી. ગઢવી(૯૮૯૮૦ ૫૪૯૭૫), કલ્પેશભાઈ હિંડોચા (૯૮૨૫૫ ૦૭૨૬૫), સફીભાઈ દલાલ (૮૨૬૪૭ ૧૦૦૦૦)નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવેલ છે.


