જૂનાગઢનાં સરકારી પુસ્તકાલય ખાતે ૯ નવે.એ તસ્વીર પ્રદર્શન યોજાશે
જૂનાગઢ મુક્તિદિનનિમિતે આરઝી હકુમત આધારિત ઈતિહાસના ફોટા જાેઈ શકાશે
જૂનાગઢ તા. પ
જૂનાગઢના મુક્તિ દિન નિમિત્તે શહેરના સરદાર ચોક વિસ્તારમાં આવેલી સરકારી જીલ્લા પુસ્તકાલય ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રંથપાલ પ્રકાશ જી. મહિડાએ જણાવ્યું હતું કે, તા. ૯ નવેમ્બરના રોજ જૂનાગઢના સ્વાતંત્ર્ય સંગ્રામ અને આરઝી હકુમત આધારિત ઈતિહાસની ઝાંખી કરાવતું તેમજ વિવિધ તસ્વીરોનું પ્રદર્શન સરકારી પુસ્તકાલય અને ગોસાઈ પરીવારના સહયોગથી યોજવામાં આવશે. ભારત દેશની આઝાદીના લગભગ ૮૫ દિવસ પછી, ૯ નવેમ્બર, ૧૯૪૭ના રોજ જૂનાગઢને નવાબી શાસનમાંથી આઝાદી મળી હતી અને તે ભારતીય સંઘનો હિસ્સો બન્યું હતું, જેને જૂનાગઢ મુક્તિ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઐતિહાસિક ઘટનાના પ્રદર્શનનો સમય સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા સુધીનો રહેશે. આ પ્રદર્શનમાં જૂનાગઢની આઝાદી માટે લડાયેલા સંઘર્ષ, આરઝી હકુમતની સ્થાપના અને તેના લડવૈયાઓના યોગદાનની તસ્વીરો અને ઐતિહાસિક દસ્તાવેજાે દ્વારા રજૂ કરવામાં આવશે. આમ શહેરીજનો આરઝી હકુમત આધારિત ઇતિહાસના ફોટા ૯ નવેમ્બરે પુસ્તકાલય ખાતે નિહાળી શકશે તેમ એક યાદીમાં જણાવેલ છે.


