દ્વારકા જીલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવ્યા : જરૂરી સરવે અને પૂરતું વળતર ચૂકવવા માંગ

દ્વારકા જીલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવ્યા : જરૂરી સરવે અને પૂરતું વળતર ચૂકવવા માંગ

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.29
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં જીએસપીએલ કંપની દ્વારા નાખવામાં આવતી ગેસ પાઇપ લાઈન સામે ખેડૂતો વિરોધ પ્રદશિર્ત કરી રહ્યા છે. આ મુદ્દે ખેડૂતો કલેક્ટર, ધારાસભ્ય, સાંસદને પણ રજુઆત કરી ચુક્યા છે. "જમીન અમારી, સરકાર અમારી, પોલીસ અમારી, કલેક્ટર અમારા, ધારાસભ્ય, સંસદ અમારા તો પછી જીએસપીએલ કંપનીની દાદાગીરી કેમ ?" તેવા વેધક સવાલો સાથે ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનરો લગાવ્યા છે. આ મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં ગેસની લાઈનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, ત્યાંના ખેડૂતોએ જણાવ્યું હતું કે "અમારી જમીન, પાક, માલ મિલકતનું પહેલા સયુંકત સરવે કરી અમને આખરી એવોર્ડ આપ્યા બાદ જ કામ ચાલુ કરવામાં આવે. ગેસ પાઇપ લાઈન પસાર થવાથી અમારી જમીનની કિંમત અડધી થઈ જાય છે આ ઘટતી કિંમત અમને કોણ આપશે?" ખેડૂતોએ તેમની રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે ગેસ - પાણી પાઇપ લાઈન કાયદો 2000 મુજબ 3(1), 6(1)ના જાહેરનામા જ ભૂલ ભરેલા છે. જો જાહેરનામા જ ભૂલ ભરેલા હોય તો અમે કામ કરવા કેમ દઈએ? કાયદો બધા માટે સરખો હોય, જીએસપીએલ કંપનીએ પણ કાયદાનું પાલન કરવું જોઈએ. અમને કેટલું વળતર મળશે એ જાણવાનો અમારો કાયદાકીય અધિકાર છે. એ જાણ્યા વગર અમે કામ કરવા નહીં દઈએ. પહેલા કંપની પોતે કાયદાઓનું પાલન કરે ત્યારબાદ અમને કાયદાઓ સમજાવે તેમ પણ જણાવાયું છે. મહત્વની બાબત તો એ છે કે અનેક ખેડૂતોના ખેતરોમાં બોક્સાઈટ જેવી કિંમતી ખનીજ છે. મારે તેની લિઝ મુકવી છે તો ગેસ પાઇપ લાઈન નીકળ્યા પછી મારા ખેતરમાં લિઝ મંજુર થશે? પહેલા વળતરની કિંમત નક્કી કરો પછી અમારા ખેતરમાં પ્રવેશ કરો તેમ કહી, પી.એમ.પી. એક્ટ 1962, ગેસ પાણી પાઇપ લાઈન કાયદો 2000 અને જમીન સંપાદન કાયદો 2013 તમામ કાયદાઓ મુજબ અમને વળતર કેટલું મળવા પાત્ર છે એ જાણવાનો ખેડૂતનો અધિકાર છે એ અધિકાર ખાનગી કંપની છીનવી ન શકે. તેમના ખેતરમાં તેમને કેટલુ વળતર મળશે તે અંગેની માહિતી આપ્યા વગર કંપનીવાળા ગેસ પાઇપ લાઈનનું કામ કરવા આવે છે તેનો ખેડૂતો દ્વારા બેનરો લગાવીને વિશિષ્ટ રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.