જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ગુરૂપુર્ણિમાની ઉજવણી
ગુરૂપૂજન, ધ્વજારોહણ, સંતવાણી, પ્રસાદ ભોજન સહીતનાં ઠેર-ઠેર કાર્યક્રમો યોજાયા
જૂનાગઢ તા.29
આજે અષાઢ સુદ -15 (પૂનમ) ગુરૂપુર્ણિમાનાં પાવન અવસરની જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી છે. ભાવિકો ગુરૂ ભક્તિમાં લીન બન્યા છે અને ગુરૂ મહારાજનું પૂજન સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
ગુરૂપુર્ણિમાનાં અવસરે આજે જૂનાગઢ શહેરમાં આવેલા ધાર્મિક સ્થળોએ ગુરૂપૂજન સહીતનાં કાર્યક્રમો યોજાઈ રહયા છે. આ ઉપરાંત ભવનાથ ખાતે આવેલા બ્રહ્મલીન સંત પૂ. વિશ્વંભરભારતીજી મહારાજનાં ભારતી આશ્રમ ખાતે પૂ. ગુરૂ મહારાજનું પૂજન તથા ગાદીપતિ મહામંડલેશ્વર પૂ. હરીહરાનંદ મહારાજનું શિષ્ય દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ધર્મસ્થાનો, સંતોના આશ્રમમાં પણ ભાવિકોની ભારે ભીડ જાેવા મળે છે. ‘ગુરૂપુર્ણિમા’ની ભવ્ય અને ભક્તિભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથીજ ધર્મસ્થાનોમાં ગુરૂ મહારાજનું પૂજન, સમાધી પૂજન, ધ્વજારોહણ તેમજ પ્રસાદ ભોજન અને સંતવાણી સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. ભવનાથ તળેટી ખાતે આવેલા ધર્મસ્થાનોમાં ભાવિક ભકતોનો પ્રવાહ સતત ઉમટી પડયો છે. ધાર્મિક સ્થળો ખાતે શિષ્યો દ્વારા ગુરૂ મહારાજનું પૂજન કરવામાં આવી રહેલ છે. ગુરૂ પુર્ણિમાનાં આજના પાવન અવસરે જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેકવિધ કાર્યક્રમો તેમજ ગુરૂપૂજનનાં કાર્યક્રમો સાથે ભાવિકો, શિષ્યો ગુરૂભક્તિમાં લીન બન્યા છે. ઠેર-ઠેર ગુરૂવંદનાનાં કાર્યક્રમો ભાવપુર્વક યોજવામાં આવ્યા છે.


