ખંભાળિયાના ભાડથર જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે ત્રણ ઉમેદવારી પત્રો ભરાયા
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.ર૬
દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી ભાડથર બેઠકની જિલ્લા પંચાયત પેટા ચૂંટણી તેમજ ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આગામી તારીખ ૧૧ ઓક્ટોબરના રોજ મતદાન થનાર છે. તે પૂર્વે ગઈકાલે શુક્રવારે ઉમેદવારી પત્રો ભરવાના ચોથા દિવસે પ્રથમ વખત ભાડથર બેઠક પર "આપ"ના ઉમેદવાર સહિત ત્રણ ઉમેદવારોએ નામાંકન પત્રો ભર્યા છે. ત્યારે ઓખા નગરપાલિકા માટે નવ ઉમેદવારોએ પણ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ખંભાળિયા તાલુકાની ભાડથર બેઠક માટે યોજાનારી પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના વીરૂભાઈ કંડોરીયાએ શુક્રવારે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ધારાસભ્ય હેમંતભાઈ ખવા વિગેરેની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. આ પૂર્વે વિશાળ રેલી તથા સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોના પ્રશ્નો જાગૃત એવા વીરુભાઈ કંડોરીયાએ જણાવ્યું હતું કે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કાળની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. જો ભાજપને ખેડૂતો પ્રત્યે લાગણી હોય તો તા. ૨૯ ઓક્ટોબર સુધીમાં જો જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે તો તેઓ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેશે તેવું જણાવ્યું હતું. આ સાથે ઓખા નગરપાલિકાની ૯ વોર્ડની ૩૬ બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ગઈકાલે નવ ઉમેદવારી પત્રો ભરાયા છે. આજે શનિવારે અંતિમ દિવસે મોટી સંખ્યામાં બાકી રહેલા ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા.


