તહેવારોનાં ટાંકણે જ રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક સુધીનો માર્ગ બે મહિના સુધી બંધ રહેશે : જાહેરનામું બહાર પડાયું
ભુગર્ભ ગટર ફેઝ-રની કામગીરી અંતર્ગત નવો રોડ બનાવવા તા. ર૯ સપ્ટેમ્બરથી તા. રપ નવેમ્બરની રાત્રી સુધી અમલવારી
જૂનાગઢ તા. ર૬
જૂનાગઢ શહેરની જનતા ઘણા લાંબા સમય થયા ખાસ કરીને રસ્તાનાં પ્રશ્ને ભારે હાલાકીનો સામનો કરી રહી છે. અને રસ્તા સારા બને તેવી અપેક્ષા રાખી રહી છે. આ દરમ્યાન કોર્પોરેશન તંત્ર દ્વારા તાજેતરમાં જ એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. અને ભુગર્ભ ગટરની કામગીરીને લઈને રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક તરફનાં રસ્તાને બંધ કરવા આવશે અને વૈકલ્પીક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તે અંગેનાં બહાર પડેલા જાહેરનામાને લઈને લોકોમાં આક્રોશ પણ જાેવા મળે છે. તેમજ કોર્પોરેશનની અવળચંડાઈ સામે લોક રોષ પણ જાેવા મળે છે. ટ્રાફીકથી ધમધમતા રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક સુધીનાં રસ્તા બંધનું જાહેરનામુ અને અટપટી વૈકલ્પીક વ્યવસ્થાને કારણે પણ આગામી દિવસોમાં જૂનાગઢની જનતાને આ માર્ગ ઉપર પસાર થતી વખતે ભારે હાલાકીનો સામનો કરવો પડશે તેવી ફરીયાદો ઉઠવા પામી છે. આ ઉપરાંત તહેવારોનાં દિવસોમાં આ કામગીરી કેટલે અંશે વ્યાજબી છે ? તેવો સવાલ પણ નગરજનોમાં ઉઠવા પામેલ છે.
જૂનાગઢ મનપા દ્વારા શહેરમાં ભુગર્ભ ગટર ફેઝ-રની કામગીરી અને તેનાં પર નવો રોડ બનાવવાનાં કાર્યને લઈને મ્યુનીસીપલ કમિશ્નર આર.આઈ. વાળા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક તરફની ડાબી બાજુનાં રોડને રાહદારીઓ અને તમામ પ્રકારનાં વાહનો માટે ઉપયોગ બંધ કરતું આ જાહેરનામુ છે. આ જાહેરનામુ તા. ર૯ સપ્ટેમ્બર ર૦ર૬થી તા. રપ નવેમ્બર ર૦ર૬ની રાત્રીનાં ૧૧.પ૯ સુધી અમલમાં રહેશે અને આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવેલ છે. અત્રે નોંધનીય છે કે જૂનાગઢ શહેરનાં મુખ્ય રાજમાર્ગ ગણાતાં બસ સ્ટેશન, ગાંધી ચોક, રેલ્વે સ્ટેશન રોડ અને ત્યાંથી મજેવડી દરવાજા અને રાજકોટ તરફ જવાનાં આ માર્ગ ઉપર સતત ર૪ કલાક ભારે ટ્રાફીક રહેતો હોય છે. ખાસ કરીને એસટીની બસો, ખાનગી વાહનો તેમજ નાના મોટા વાહનોની વણજાર રહેતી હોય છે. આ જ માર્ગ ઉપર એટલે કે રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક જવાનાં માર્ગ ઉપર બ્રીજ બનાવવાની કામગીરીને લઈને જાેષીપરા ફાટક અને ગીતા લોજની સામેનાં માર્ગ ઉપર ઘણા લાંબા સમયથી કામ ચાલે છે. અને ડાઈવર્જન પણ આપવામાં આવેલ છે જે કામગીરી ચાલી રહી છે ત્યાં જ તા. ર૯ સપ્ટેમ્બરથી તા. રપ નવેમ્બરની રાત્રી સુધી રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક તરફનાં રસ્તાને બંધ કરતું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. અને તેને લઈને જનતામાં રોષની લાગણી ઉઠવા પામી છે. આગામી તા. ૧૧ ઓકટોબરથી નવરાત્રીનાં તહેવારો આવી રહયા છે તેમજ નવેમ્બર માસમાં દિવાળી અને બેસતા વર્ષનાં તહેવારો છે. આ તહેવારોને ટાંકણે બહારથી આવનારા પ્રવાસીઓનો સતત ઘસારો રહેશે. તેમજ તહેવારોનાં દિવસોમાં ટ્રાફીક પણ ખુબ જ રહેતો હોવાનાં કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. રસ્તો બંધ કર્યા બાદ નાગરીકોને રેલ્વે સ્ટેશન સર્કલથી સરદાર ગેઈટ થઈને જેલ ચોક, જુની કોર્ટ અને ચિતાખાના ચોક માર્ગે ગાંધી ચોક જવા સલાહ આપવામાં આવી છે. એક તો તહેવારોનાં ટાંકણે ટ્રાફીકથી ધમધમતા રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક તરફનાં રાજ માર્ગ ઉપર ભુગર્ભ ગટરની કામગીરી અને અટપટા વૈકલ્પીક માર્ગને લઈને લોકોને અનેક મુશ્કેલી પડશે તેવી ભિતી વચ્ચે કોર્પોરેશન તંત્રને જાગૃત નાગરીકો દ્વારા રજુઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.



