જૂનાગઢનાં જવાહર રોડ અને ગીરનાર રોડ રસ્તાની કામગીરી સબબ બંધ કરી દેવાયો : લોકોને ભારે હાલાકી
વેપારીઓને માલનું પરીવહન તેમજ ટ્રાન્સપોર્ટનાં સંચાલકોને માલની ડીલેવરી દાણાપીઠ સુધી કઈ રીતે કરવી ? તેવો સળગતો પ્રશ્ન
જૂનાગઢ તા. ર૬
જૂનાગઢ શહેરનાં જવાહર રોડ અને ગીરનાર રોડને રસ્તો બનાવવાની કામગીરી અંતર્ગત બંધ કરી દેવામાં આવતાં દાણાપીઠમાં વ્યવસાય કેન્દ્ર ધરાવતા વેપારીઓને તેમજ ટ્રાન્સપોર્ટનાં સંચાલકોને માલનું પરીવહન કઈ રીતે કરવું તે અંગેનો ગંભીર પ્રશ્ન ઉઠવા પામેલ છે ત્યારે તહેવારોનાં દિવસોમાં આ અંગે તંત્ર દ્વારા ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
જૂનાગઢ શહેરનું હટાણાનું મુખ્ય મથક અને આસપાસનાં ગામડાઓનાં વેપારીઓને જથ્થાબંધ માલ ખરીદવા માટેનું મુખ્ય મથક તેમજ વેપારીઓને માટે પણ ખરીદી માટેનું મોટુ સેન્ટર એટલે જૂનાગઢ શહેરની દાણાપીઠ ગણાય છે. દાણાપીઠમાં અનાજ કરીયાણાથી લઈને અનેક ચીજવસ્તુઓની લેવડ દેવડ તેમજ બહારગામથી વેપારીઓનો આવતો માલ ઉતરતો હોય છે. અને દાણાપીઠ વિસ્તાર ભારે ધમધમતો રહે છે.
દાણાપીઠનાં વેપારીઓને માલનાં પરીવહન માટેની સુગમતા રહે તે માટે આ જ વિસ્તારમાં એટલે કે લીમડા ચોકની આસપાસ ૭ જેટલી ટ્રાન્સપોર્ટની ઓફીસો આવેલી છે જયાં રાજકોટ, અમદાવાદ સહીતનાં શહેરોમાંથી દાણાપીઠમાં આવતા માલની ડીલેવરી કરવામાં આવતી હોય છે. અને આ રીતે દાણાપીઠનાં વેપારીઓ અને ટ્રાન્સપોર્ટનાં સંચાલકો વચ્ચે ખુબ જ સારી પરીવહનની સાંકળ રચાયેલી છે. આ દરમ્યાન જૂનાગઢનાં જવાહર રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિરથી લઈ અને અધુરો રહેલો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરાતા રસ્તાને ખોદી નાખવામાં આવેલ છે. અને આ કામગીરી સબબ જવાહર રોડ અને ગીરનાર રોડને મનપા તંત્રએ બંધ કરી દેવાનાં પગલે વેપારીઓમાં અને ટ્રાન્સપોર્ટનાં સંચાલકોમાં ભારે રોષ ઉઠવા પામેલ છે. આગામી તહેવારોનાં દિવસોમાં દાણાપીઠમાં બહાર ગામથી આવતા માલનું પરીવહનમાં ભારે વધારો થશે. પરંતુ તહેવારોનાં ટાંકણે જવાહર રોડ અને ગીરનાર રોડ રસ્તા બનાવવાની કામગીરીને લઈને બંધ કરી દેવામાં આવતાં વેપારીઓને બહારથી આવતો પોતાનો માલ પોતાની વખાર કે દુકાન સુધી કઈ રીતે લઈ જવો તેમજ ટ્રાન્સપોર્ટ સંચાલકોને પણ વેપારીઓનાં માલનું પરીવહન જે તે જગ્યાએ કઈ રીતે કરવું તે સમસ્યા ઉઠવા પામી છે. દરમ્યાન તહેવારોનાં આ દિવસોમાં વેપારીઓને પડનાર મુશ્કેલીને તાત્કાલીક અસરથી હલ કરવાની માંગણી ઉઠવા પામી છે.


