જૂનાગઢમાં ‘લુંટ’નાં ઈરાદે નીકળેલ યુપી- બિહારનાં પાંચ શખ્સોની ગેંગ રાજકોટથી ઝડપાઈ
કુવાડવા રોડ પર ચોકકસ બાતમીનાં આધારે એસઓજીએ ઝડપી લીધા : કારમાંથી હથિયારો મળી આવ્યા
જૂનાગઢ તા.૨૭
રાજકોટ એસઓજી પોલીસે ગઈકાલે અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક ચોકકસ બાતમીનાં આધારે વોચ ગોઠવી હતી આ દરમ્યાન કારમાં આવેલા પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન કારમાંથી પિસ્તોલ, છરી, ધોકા, સ્ટીકનો જથ્થો મળી આવ્યો હતો. આ પાંચ શખ્સની ઉલટ તપાસ લેતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. યુપી, બિહારનાં શખ્સોએ જૂનાગઢમાં આંગડીયા પેઢીને નિશાન બનાવી અને પૂર્વ કાવતરૂ યોજી લુંટનો પ્લાન બનાવવામાં આવ્યો હતો પરંતુ રાજકોટ પોલીસે ઝડપી લેતા આ કાવતરૂ નિષ્ફળ ગયું હતું. પકડયેલા આ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર S.O.G.પોલીસે બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર વોચ ગોઠવી હતી. જે દરમિયાન કુવાડવા ગામ પાસે વાંકાનેર ચોકડી નજીક બ્રિજ પાસેથી એક શંકાસ્પદ XUV ૫૦૦ કાર (નંબર MH-06-BE- 3165) અટકાવીને તેમાં સવાર પાંચ શખ્સને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ઘાતક હથિયારો મળી આવ્યા હતા. જેઓ જૂનાગઢમાં કોઈ મોટી આસામી કે આંગડિયા પેઢીમાં લૂંટ કે ધાડ પાડવાના ઈરાદાથી આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. દિવાળી પૂર્વે પોલીસે આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે.
પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના જાકીરઅલી લીયાકતઅલી, સૈયદુદ્દીન નજજીમીયા અંસારી, મહમદ શાહબાઝ શેખ, બિહારના રંજનકુમારસિંહ ફિરંગીસિંહ અને થાણેના સંજય સૂર્યનારાયણસિંહ રાજપૂતને ઝડપી પાડયા હતા જ્યારે આ ગેંગ સાથે સંકળાયેલ મહેબૂબને પકડવાનો બાકી છે. પોલીસે આ શખસો પાસેથી દેશી બનાવટની પિસ્તોલ (મેગ્ઝિન સાથે), છરી, ટ્રાવેલિંગ તથા સજિર્કલ ઉપયોગના સાધનો, બેઝબોલનો ધોકો, એલ્યુમિનિયમની સ્ટીક અને વિવિધ કંપનીના કુલ ૧૦થી વધુ મોબાઈલ ફોન અને રોકડ રકમ કબજે કરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આ XUV કાર લઈ રાજકોટ આવ્યા હતા અને અહીંથી જૂનાગઢ જઈને ત્યાંની આંગડિયા પેઢીમાં ઘાતક હથિયારો સાથે ધાડ પાડવાની તૈયારીમાં હતા. પરંતુ પોલીસની સતર્કતાના કારણે તેઓ પોતાના નાપાક મનસૂબામાં સફળ થાય તે પહેલા જ પકડાઈ ગયા હતા. આરોપીઓ વિરુદ્ધ હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા તેમજ BNS ૨૦૨૩ની કલમ ૩૧૦(૪), ૩૧૦(૫), ૬૧(૨)(એ) તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)એ અને જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


