વેરાવળના હરસિદ્ધિ-૨ આંગણવાડી કેન્દ્ર ખાતે ઉત્સાહભેર ‘આંગણવાડી ઉત્સવ‘ યોજાયો

વેરાવળના હરસિદ્ધિ-૨ આંગણવાડી કેન્દ્ર ખાતે ઉત્સાહભેર ‘આંગણવાડી ઉત્સવ‘ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસપાટણ તા.ર૬
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ઘટક-૧ હેઠળના હરસિદ્ધિ-૨ (કેન્દ્ર નંબર-૧) ખાતે તારીખ ૨૫-૯-૨૦૨૬ ના રોજ ‘આંગણવાડી ઉત્સવ‘ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહિલ, વોર્ડ નંબર-૮ ના કાઉન્સિલર ઉદયભાઈ શાહ, મુકેશભાઈ ચોલેરા, વિનોદભાઈ, મનોજભાઈ, કાળુભાઈ તેમજ સગર્ભા માતાઓ, કિશોરીઓ, વાલીગણ અને બહોળી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ દક્ષાબેન પંડ્યા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સુમિતાબહેન, બંસીબહેન, અંજલીબહેન, હેમાંગીબહેન, દિયાબહેન મેઘનાથી અને મુકેશભાઈ ચોલેરા દ્વારા પ્રમુખ નરેશભાઈ ગોહિલ સાહેબ તથા અન્ય મહેમાનોનું પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહિલ તથા અન્ય મહેમાનોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા વર્કર બહેનો, સગર્ભા માતાઓ અને કિશોરીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, દાતાઓ તરફથી શ્રેષ્ઠ કામગીરી બદલ કિશોરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ તકે મુકેશભાઈ ચોલેરા દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બદલ આંગણવાડીના તમામ વર્કર બહેનો અને તેડાગર બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે કિશોરી બંસીબહેન દ્વારા ‘પૂર્ણા શક્તિ‘ યોજના વિશે ઉપસ્થિત સૌને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને સરકારની આ કલ્યાણકારી યોજનાઓ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પી.ઓ. રાજપરા, સી.ડી.પી.ઓ. સવિતાબહેન ગોહેલ તથા સુપરવાઈઝર સંધ્યાબહેન માર્ગદર્શન હેઠળ આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનો દ્વારા ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન સાથે કરવામાં આવ્યું હતું.