જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં રવિવાર શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ
દિવંગત સ્વજનોનાં આશિર્વાદ પ્રાપ્ત કરવા પિતૃ શ્રાધનાં ઘરે ઘરે કાર્યક્રમો - દામોદરકુંડ, સોમનાથ ત્રિવેણી સંગમ, પ્રાચી તિર્થ ક્ષેત્રોમાં પણ ભાવિકો વિધી વિધાન સાથે ધાર્મિક કાર્યો યોજશે
જૂનાગઢ તા. ર૬
ભાદરવા વદ-૧ આવતીકાલ તા. ર૭-૯-ર૬ રવિવારથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થઈ રહયો છે. ત્યારે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ભાવિકો દ્વારા દિવંગત સ્વજનો, પિતૃઓનાં આર્શિવાદ મેળવવા માટે પિતૃશ્રાદ્ધ સહીતનાં ધાર્મિક કાર્યક્મો યોજી શ્રાદ્ધપક્ષની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. મનુષ્ય દેહ ધારણ કર્યા બાદ સંસારનાં નિયમોને આધીન મનુષ્ય સેવા, દાન, ધર્મ સહીતનાં અનેક કાર્યો જીવંત પર્યત નીભાવે છે. અને અંત સમયે પોતાનાં સ્વજનોને છોડીને અનંતની વાટ પકડવી પડે છે. અને સ્વર્ગવાસી બનેલા સ્વજનો પિતૃઓને વંદના કરવા તેમજ તેમનાં આત્માની શાંતિ માટે તેમનાં પરીવારજનો પિતૃ તર્પણ વિધી માટેનાં જુદા જુદા કાર્યો કરી દીવંગત સ્વજનોનાં આર્શિવાદ અને કૃપા મેળવે છે. ખાસ કરીને પીંડદાન, નારાયણ બલી, નાગબલી, લીલ પરણાવવા સહીતનાં ધાર્મિક કાર્યો અને વિધી કરવામાં આવે છે. મૃતક સ્વજનો પાછળ પૂર્ણ શ્રધ્ધા સાથે કરવામાં આવેલા ધાર્મિક કાર્યો સફળ થાય જ છે. અને જે તે પરીવાર ઉપર પિતૃઓનાં કાયમ આર્શિવાદ વરસે છે. પિતૃઓનાં આર્શિવાદ મેળવવા માટે અને તેમનાં નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યો કરવા માટે ભાદરવા માસને પણ ઉત્તમ ગણવામાં આવે છે. ભાદરવા વદ-૧થી અમાસ પુનમ સુધીનાં દિવસને શ્રાદ્ધ કહેવામાં આવે છે. દિવંગત વ્યકિતને મૃત્યુ પામ્યાનાં ત્રણ વર્ષ પુરા થતાં તે શ્રાદ્ધમાં ભળે છે. અને તેમની નિર્ધારીત તિથીએ શ્રાદ્ધ કરવામાં આવે છે. વિધ્વાન શાસ્ત્રીઓ દ્વારા ‘શ્રાદ્ધ’ માટેના દિવસો અને તિથી દર્શાવવામાં આવેલ છે તે મુજબ દરેક તિથીએ શ્રાદ્ધ ૧પ દિવસો દરમ્યાન શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. આ દિવસે દિવંગત સ્વજનોને ભાવપૂર્વક યાદ કરી ખીરનું જમણ ધરવામાં આવે છે. અને કાગવાસ નાખવામાં આવે છે. આજથી થોડા વર્ષો પાછળનાં દિવસોને યાદ કરશું તો શ્રાદ્ધપક્ષ દરમ્યાન સવારથી જ જે તે પરીવારમાં ધાર્મિક કાર્ય શરૂ થાય અને પિતૃઓને ખીર અને પ્રસાદ ધરવામાં આવ્યા બાદ મકાનની અગાશી કે છત ઉપર ‘કાગવાસ’ નાખવામાં આવે છે. અને આ સમયે કાગ સ્વરૂપે સ્વજન પધારે અને ખીરનું જમણ આરોગે અને પોતાનાં પરીવારને ખુબ જ આર્શિવાદ આપે છે. આજે સમય બદલાયો છે તેમ છતાં વર્ષો થયા ચાલી આવતી પરંપરાને ભાવપૂર્વક મનાવવામાં આવે છે. આજે પણ શ્રાદ્ધપક્ષની ભાવપૂર્વક ઉજવણી થાય છે. પિતૃઓનાં આર્શિવાદ મેળવવા માટે ખીરનું નૈવેધ ધરવામાં આવે છે. શ્રાદ્ધપક્ષ દરમ્યાન ‘કાગવાસ’ નાખવામાં આવે ત્યારે કોઈને કોઈ સ્વરૂપે દિવંગત આત્મા પધારે અને ખીરનું નૈવેધ આરોગે તે માન્યતા આજે પણ રહેલી જ છે. શ્રધ્ધાળુઓ પિતૃઓનાં આર્શિવાદ અને તેમનાં પ્રત્યે ઋણ અદા કરવા માટે શ્રાદ્ધપક્ષમાં વિવિધ ધાર્મિક કાર્યો ખુબ જ ભાવથી કરે છે. આવતીકાલથી શરૂ થતાં શ્રાદ્ધપક્ષની જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવશે. દામોદર કુંડ, પ્રાચી તિર્થ ક્ષેત્ર સહીતનાં ધાર્મિક સ્થળોએ પણ ભાવિકોનો પ્રવાહ સતત રહેશે અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. શ્રાદ્ધપક્ષમાં આ વખતે તિથી ઘટે છે જેને શાસ્ત્રોકત રીતે સારૂ ગણવામાં આવી રહયું છે.


