સાયબર ક્રાઈમનો ભોગ બનેલ ૪૭૮ અરજદારોને રૂપિયા ૮૧,૬ર,રર૩નું રીફંડ અપાવ્યું
સાયબર ક્રાઈમથી બચવા માટે જાહેર જનતા જાેગ જૂનાગઢ પોલીસે સંદેશો જારી કર્યો : સાવચેત રહો
જૂનાગઢ તા. ૪
જૂનાગઢ જીલ્લામાં સાયબર ક્રાઈમનો ભોગ બનેલ ૪૭૮ અરજદારોને કુલ રૂા.૮૧,૬ર,રર૩નું રીફંડ સાયબર ક્રાઈમ સેલ એસઓજી જૂનાગઢ દ્વારા આપવામાં આવેલ છે. સાયબર ક્રાઈમના બનાવો સતત વધી રહયા હોય તેવા સંજાેગોમાં સાયબર ક્રાઈમના બનાવો બનતા અટકાવવા તેમજ આવી પ્રવૃતિ કરનારા સામે કડક હાથે કામગીરી કરવા માટે જૂનાગઢ જીલ્લા પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તેમજ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં સાયબર ક્રાઈમના વધતા જતા બનાવોને ધ્યાને લઈ આવા ગુનાઓ બનતા અટકાવવા તેમજ સાયબર ફ્રોડમાં લોકોએ ગુમાવેલ નાણા રીફંડ થાય તેવા પ્રયત્નો કરવા સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને સાયબર ક્રાઈમ સેલ, એસઓજી જૂનાગઢનાં પીઆઈ જે.જે. પટેલ તથા પીઆઈ આર.બી. ગઢવી, પીએસઆઈ એમ.જે. કોડીયાતર તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. આજના આ ટેકનીકલ સાયબર યુગમાં સાયબર ગઠીયાઓ દ્વારા અલગ અલગ મોડસ ઓપરેન્ડી મારફત લોકોને સાયબર ફ્રોડનો ભોગ બનાવે છે. જેમાં ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, અપડેટ ફ્રોડ, ઓટીપી ફ્રોડ, જાેબ ફ્રોડ, ઓનલાઈન શોપીંગ ફ્રોડ, ઈન્સ્ટન્ટ લોન ફ્રોડ, અજાણી લીંક જેવી કે .apk ફાઈલ મારફત થતા ફ્રોડ મારફત લોકોને લલચાવી છેતરપીંડી કરતા હોય છે. આવા સાયબર ફ્રોડના બનાવોમાં લોકો દ્વારા સાયબર હેલ્પ લાઈન નંબર ૧૯૩૦ પર તાત્કાલીક ફરીયાદ કરવામાં આવે છે જે ફરીયાદના આધારે સીઆઈડી ક્રાઈમ, ગાંધીનગર દ્વારા અરજદારના નાણા હોલ્ડ કરવામાં આવે છે જે અનુસંધાને જૂનાગઢ જીલ્લામાં સાયબર ક્રાઈમ સેલ દ્વારા તુરંત કાર્યવાહી કરી અરજદારોની રીફંડની અરજી તૈયાર કરી કોર્ટ સાથે સતત સંકલનમાં રહી જીલ્લાનાં અરજદારની રીફંડની અરજીઓ લોક અદાલત દરમ્યાન કોર્ટમાં જમા કરી તમામ અરજીઓના કોર્ટ ઓર્ડર મેળવી અરજદારોને રૂપિયા પરત કરાવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. જે અન્વયે સપ્ટેમ્બર માસ દરમ્યાન જીલ્લાના ૭૩ અરજદારોને રૂા. ૮,૮૪,ર૬૬ તેમજ ચાલુ વર્ષ દરમ્યાન જાન્યુઆરી-રપ થી સપ્ટેમ્બર-રપ સુધીમાં કુલ ૪૭૮ અરજદારોને કુલ રૂા. ૮૧,૬ર,રર૩ તેઓના બેંક ખાતામાં રીફંડ કરાવવામાં આવેલ છે. આ કામગીરીમાં એસઓજીના પીઆઈ જે.જે. પટેલ, પીઆઈ આર.બી. ગઢવી, પીએસઆઈ એમ.જે. કોડીયાતર, એમ.વી. કુવાડીયા, એમ.જી. અખેડ, કૃણાલસિંહ પરમાર, રોહિતસિંહ દેવદાસભાઈ બારડ, મયુર ઓડેદરા, રોહિતકુમાર દિલીપસિંહ બારડ, બ્રિન્દાબેન ગીરનારા, વર્ષાબેન રાઠોડ વગેરે સ્ટાફ આ કામગીરીમાં જાેડાયેલ હતા.
સાયબર ક્રાઈમથી બચવા માટે જાહેર જનતા જાેગ અપીલ
• ગુગલ સર્ચ પર મળતા નકલી હેલ્પલાઈન નંબર આપને છેતરપીંડીનો ભોગ બનાવી શકે છે. સંબંધીત સતાવાર વેબસાઈટ પરથી જ હેલ્પલાઈન નંબરની પુષ્ટી કરો.
• કોઈપણ અજાણી લીંક (.apk) પર કિલક કરશો નહી. કોઈપણ અજાણી એપ્લીકેશન ડાઉનલોડ કરતા પહેલા ચોકકસ તપાસો.
• કોઈપણ અજાણી એપ્લીકેશન મારફત લીધેલ ઈન્સ્ટન્ટ લોનના કારણે આપના ફોનની વ્યકિતગત માહિતી મેળવી માનસીક ત્રાસ આપી બ્લેક મેઈલ કરી શકે છે.
• અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ ઉપાડવાનું ટાળો. સાયબર ક્રાઈમને અંજામ આપનાર ગેંગ આપને તથા આપના પરીવારને બ્લેક મેઈલ કરી શકે છે.
• જાે કોઈ તમને કહે કે તમે ડીજીટલ એરસ્ટ થઈ ગયા છો, તો જવાબ આપશો નહી, આ એક સાયબર ફ્રોડની નવી પધ્ધતિ છે, પોલીસ કે કોઈપણ સુરક્ષા એજન્સી કયારેય પણ વિડીયો કોલ કરીને તપાસ નથી કરતી.
• જૂનાગઢ જીલ્લાના કોઈપણ નાગરીક સાયબર ફ્રોડનો ભોગ બને તો તાત્કાલીક સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફોન કરી ફરીયાદ કરવા તથા જીલ્લા સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.


