જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં શરદોત્સવની ઉજવણી થશે

વિવિધ શહેરોમાં ઠેરઠેર રાસોત્સવનાં કાર્યક્રમોનું આયોજન

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં શરદોત્સવની ઉજવણી થશે

જૂનાગઢ તા. ૪
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં આગામી સોમવારે શરદોત્સવ પર્વ પ્રસંગે રાસોત્સવનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અને જે અંગેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી રહી છે. 
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં નવરાત્રી મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે  ગત રવિવારથી જ વરસાદનો ફરી રાઉન્ડ શરૂ થયો હતો. જૂનાગઢ શહેર-જીલ્લાનાં તાલુકાઓ ઉપરાંત ગુજરાતનાં વિવિધ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસી જતાં નવરાત્રી દરમ્યાન વરસાદનું વિધ્ન આવતા મોટાભાગનાં નવરાત્રી મહોત્સવ નિમીત્તે યોજાતા રાસોત્સવનાં કાર્યક્રમોને મોકુફ રાખવામાં આવ્યા હતા. ગત ગુરૂવાર સુધી વરસાદનો રાઉન્ડ રહયા બાદ ગઈકાલે શુક્રવારે જૂનાગઢ સહીત જીલ્લાભરમાં વરસાદનું જાેર ઘટી ગયું હતું અને વરાપ જેવું વાતાવરણ સર્જાયું છે.  દરમ્યાન વરસાદનાં વિઘ્નને કારણે રાસોત્સવનાં કાર્યક્રમો બંધ રહયા હોય જેથી ખેલૈયાઓને રાસોત્સવ માણવામાં નિરાશા સર્જાણી હતી. નવરાત્રી પર્વનું સમાપન થયા બાદ ગુરૂવારે દશેરા પર્વની પણ વરસાદની સટાસટી વચ્ચે ઉજવણી  થઈ હતી. દશેરા વિજયાદશમીનાં પર્વ પ્રસંગે શસ્ત્રપૂજન, રાવણ દહન સહીતનાં કાર્યક્રમો યોજાયા હતા.  તેમજ દશેરા પર્વ પ્રસંગે જલેબી, ફાફડા સહીતની મીઠાઈનું પણ સારૂ એવું વેચાણ થયું હતું. જાે કે દર વર્ષની સરખામણીમાં ફરસાણ અને મીઠાઈનાં વેચાણમાં ઘટ રહી હતી પરંતુ તેમ છતાં પરંપરાગત રીતે દશેરા પર્વે મીઠાઈ-ફરસાણનું જરૂર પુરતી લોકોએ ખરીદી કરી હતી અને દશેરાનાં શુકન સાચવ્યા હતા. રહી વાત રાસોત્સવની તો નવરાત્રીમાં વરસાદને કારણે રાસોત્સવનાં કાર્યક્રમો બંધ રાખવાની આયોજકોને ફરજ પડી હતી. ખેલૈયાઓને રાસ-ગરબાની રમઝટ બોલાવવાની જે હોેશ હતી તે અધુરી રહી હતી અને આ અધુરી હોશ પુરી કરવાનો અવસર નજીક આવી રહયો છે તે અવસર છે શરદ પુર્ણિમા ઉત્સવ.  દર વર્ષે શરદ પુર્ણિમાની ભાવભેર ઉત્સાહભેર ઉજવણી સર્વત્ર કરવામાં આવે છે. આ વર્ષે પણ આગામી તા.૬-૧૦-રપ ને સોમવારનાં રોજ જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં શરદોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે. જૂનાગઢ શહેર - જીલ્લા ઉપરાંત અનેક શહેરોમાં શરદોત્સવ પ્રસંગે રાસોત્સવનાં કાર્યક્રમોનું આયોજન થઈ રહયું છે. પાર્ટીપ્લોટમાં શરદોત્સવનાં આયોજન કરવામાં આવ્યા છે. આયોજકો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે તો બીજીતરફ ખેલૈયાઓ માટે પણ શરદોત્સવનાં અવસરે રાસ-ગરબાની રમઝટ બોલાવવાની હોય ત્યારે ખેલૈયાઓમાં પણ થનગનાટ જાેવા મળે છે. 
વિશેષમાં નવરાત્રી મહોત્સવનાં પાછલા પાંચ દિવસ વરસાદને  કારણે મોટાભાગની ગરબીઓ પણ બંધ રહી હતી તેવા સંજાેગોમાં કયાંક ગરબીમાં રાસ રમતી બાળાઓને ઈનામ વિતરણ, લ્હાણી વિતરણ માટેનાં કાર્યક્રમો પણ બાકી હોય જેથી જૂનાગઢ સહીત અનેક શહેરો અને ગામોમાં પણ વિવિધ ગરબી મંડળ દ્વારા બાળાઓને ઈનામ વિતરણ પણ કરવામાં  આવનાર હોય અને તે માટેના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહયું છે. આગામી સોમવાર તા.૬-૧૦-રપ ના રોજ શરદોત્સવ પર્વ પ્રસંગે રાસોત્સવનાં  કાર્યક્રમો યોજાશે અને શરદ પૂનમની રાતને મારે વાલે રમાડયા રાસનાં ગીતો ગુંજી ઉઠશે.