વેરાવળમાં બે સ્થળોએથી રૂા. ૫.૮૫ લાખના દારૂનો જથ્થો ઝડપાતા ચકચાર
એલસીબીએ કાર અને બંધ મકાનમાંથી બાતમીના આધારે દારૂ ઝડપી પાડયો : તાજેતરમાં પાસામાંથી છુટેલ કુખ્યાત બુટલેગરનો દારૂનો જથ્થો હોવાનું ખુલતા તેને પકડવા તજવીજ હાથ ધરી
વેરાવળ તા.ર૦
વેરાવળ શહેરમાં કુખ્યાત બુટલેગર દારૂનું કટીંગ કરવા પ્રયત્નશીલ હોવાની મળેલ બાતમીના આધારે સક્રિય એલસીબી એ બે સ્થળોએ દરોડો પાડીને રૂા.૫.૮૫ લાખના દારૂનો જથ્થો ઝડપી પાડી ગુનો નોંધી કુખ્યાત બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર વેરાવળના પોષ બજરંગ સોસાયટી વિસ્તારમાં દારૂનું કટીંગ થવાનું હોવાની બાતમી મળતા એલસીબી પીઆઈ એસ.વી. રાજપુત, પીએસઆઈ સિંધવ, એચ.એલ.જેબલીયા સ્ટાફના પિયુષ બારડ, અશોક મોરી, કરણસિંહ ચૌહાણ, રવિ ગોહીલ, સુનીલ સોલંકી સહિતનાએ બજરંગ સોસાયટીમાં પહોંચતા કાળા કલરની વર્ના કાર નં.જીજે ૦૧ આરકે ૧૮૯૩ રેઢી જોવા મળતા તેમાં તલાસી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી કરતા કુલ ૧૦૭૧ ની કિ.રૂા.૨,૫૭,૫૫૦ ના જથ્થા સાથે કાર, મોબાઈલ અને ૪૧ હજાર રોકડા મળી કુલ રૂા.૪.૦૮ લાખનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં બીજો દરોડો મોટા કોળીવાડાની બારીયા શેરીમાં મહાકાલી માતાજીના મઢ પાસેના બંધ મકાનમાં તલાસી લેતા જુદી જુદી બ્રાન્ડની ૨૧૭ બોટલો કિ.રૂા.૩,૨૮,૭૬૫નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ બંન્ને દરોડામાં કુલ રૂા.૫.૮૫ લાખનો દારૂનો જથ્થો તથા રૂા.૧.૫૨ લાખનો મુદામાલ મળી આવતા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંન્ને સ્થળોએથી મળી આવેલ દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર રોહિત ઉર્ફે રેમ્બો રમેશ બારીયા નો હોવાનું સામે આવ્યુ છે. જેના આધારે રેમ્બો અને તેના સાગરીતો અજય ઉર્ફે બાદલ મનુ બારીયા, પિયુષ અરજણ બારીયાને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે નોંધનીય છે કે, કુખ્યાત બુટલેગર રોહિત ઉર્ફે રેમ્બો લાંબા સમયથી શહેરમાં દારૂની હેરાફેરી અને વેંચાણનું નેટવર્ક ચલાવી રહ્યો છે. તેની સામે પ્રોહીબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાથી છએક માસ પહેલા પાસા હેઠળ પોલીસે ધરપકડ કરી જેલ લવાલે કરેલ હતો. તેમાંથી થોડા સમય પહેલા છૂટ્યા બાદ રેમ્બોએ ફરી દારૂનો વેપલો શરૂ કર્યો હોવાનો આજના એલસીબીના દરોડામાં પર્દાફાશ થયેલ છે ત્યારે આગામી દિવસોમાં કુખ્યાત બુટલેગર સામે કેવા પ્રકારની કડક કાર્યવાહી થાય છે તે જોવું રહેશે.


