જૂનાગઢની એજન્સીમાંથી ભેળસેળયુકત ઘીનો પ૦ કિલો જથ્થો ઝડપાયો

ભાડા કરાર વિના ગોડાઉન આપનાર સામે પણ ગુનો દાખલ : એસઓજીની વધુ એક કામગીરી

જૂનાગઢની એજન્સીમાંથી ભેળસેળયુકત ઘીનો પ૦ કિલો જથ્થો ઝડપાયો

જૂનાગઢ તા. ર૮
જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાંથી તાજેતરમાં જ ભેળસેળયુકત ઘીનો જથ્થો એસઓજી પોલીસે ઝડપી લીધો હતો અને તપાસ દરમ્યાન આ ઘી એજન્સીઓમાં આપવામાં આવ્યું હોવાનું સામે આવતા એસઓજી જૂનાગઢ દ્વારા ચિત્રકુટ સોસાયટીમાં આવેલી એજન્સીમાંથી પ૦ કિલોથી વધુ ઘી કબ્જે કરી અને ફુડ વિભાગને બોલાવી તેના સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવ્યા હતાં.
આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર દોલતપરામાં આવેલા માર્કેટીંગ યાર્ડ વિસ્તારમાં એસઓજી પોલીસે જય ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ નામના ગોડાઉનમાંથી રૂા. ૧.૧૦ લાખની કિંમતનો પ૦૦ કિલો જેટલો ભેળસેળયુકત ઘીનો જથ્થો ઝડપી લીધો હતો. અને આ અંગે ફુડ ઈન્સ્પેકટરને બોલાવી તેના નમુના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. આ દરમ્યાન એસઓજીની તપાસમાં ખુલવા પામ્યું હતું કે કમલેશ જેન્તી સોઢાએ ભેળસેળ વાળો આ ઘીનો જથ્થો એજન્સીમાં આપ્યો હોવાનું જણાવતાં એસઓજીની ટીમે બસ સ્ટેશન પાછળ આવેલ ચિત્રકુટ સોસાયટીમાં આવેલી એજન્સીમાં તપાસ કરતા પ૦ કિલોથી વધુ ભેળસેળયુકત ઘી મળી આવ્યુ હતું. અને જેના સેમ્પલ લઈ તેને લેબ.માં મોકલવામાં આવ્યા છે. આ દરમ્યાન એસઓજીનાં પીઆઈ પી.કે. ચાવડાએ જણાવ્યું હતું કે કમલેશ જેન્તી સોઢાએ ભાડે રાખેલ ગોડાઉનમાંથી ભેળસેળયુકત ઘી બનાવવા માટે ઘરેલુ રાંધણ ગેસનાં ૩ સીલીન્ડર પણ મળી આવ્યા હતાં. આ ઉપરાંત તેણે ભાડે રાખેલા ગોડાઉનનો કોઈ ભાડા કરાર પણ મળ્યો ન હતો. આ મામલે સંબંધીત પોલીસ સ્ટેશનમાં ભાડે આપવા અંગેની જાણ ન કરનાર પંકજ નટવરલાલ કાનાબાર સામે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.