ઉનાના મેણ ગામે નકલી એસઓજી બની તબીબનું અપહરણ-લૂંટ કરનાર ગેંગનો પર્દાફાશ

૧૦ દિવસ બાદ ગીર સોમનાથ પોલીસે ૭ શખ્સોને ઝડપ્યા : ૩ હજુ ફરાર : અમદાવાદ-મહેસાણા સુધી તપાસના તાર પહોંચ્યા

ઉનાના મેણ ગામે નકલી એસઓજી બની તબીબનું અપહરણ-લૂંટ કરનાર ગેંગનો પર્દાફાશ

(નિરવ ગઢીયા દ્વારા)
ઉના તા. ૩૦
ઉના તાલુકામાં ૧૭ સપ્ટેમ્બરે તબીબના અપહરણ અને લૂંટની બનેલી ચકચારી ઘટનાનો ગીર સોમનાથ પોલીસે ૧૦ દિવસ બાદ ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, નકલી એસઓજી પોલીસની ઓળખ આપી તબીબનું અપહરણ કરી તેમની પાસેથી રૂા.૧૧,૫૦૦ની રોકડ બળજબરીથી લઈ લેવામાં આવી હતી. એલસીબી, એસઓજી અને ઉના પોલીસની સંયુક્ત તપાસમાં આ ગુનામાં અત્યાર સુધીમાં ૭ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ૩ શખ્સો હજુ ફરાર હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પ્રાપ્ત વિગતો મુજબ ઉનાની ગુલમોર સોસાયટીમાં રહેતા ૪૧ વર્ષીય તબીબ નફીસભાઈ સુલેમાનભાઈ સુમરા પોતાના ક્લિનિક પર હાજર હતા. આ દરમ્યાન ત્રણ શખ્સો નંબર પ્લેટ વગરની સફેદ સ્વિફ્ટ કારમાં ત્યાં પહોંચ્યા હતા. શખ્સોએ પોતાની ઓળખ SOG પોલીસ તરીકે આપી તબીબને કારમાં બેસાડ્યા હતા અને તેમનું અપહરણ કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, તબીબ પાસેથી તેમના શર્ટના ખિસ્સામાં રહેલા રૂા.૧૧,૫૦૦ બળજબરીથી લઈ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ગીર ગઢડા બાયપાસ બ્રિજ નજીક ઉતારી શખ્સો કાર લઈને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ઉના પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ૩૦૯(૪), ૧૩૭(૨), ૨૦૪ અને ૫૪ મુજબ ગુનો નોંધાયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાથી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉના ડિવિઝનના ડીવાયએસપી એમ.એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને ઉના પોલીસની ટીમોએ અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળથી લઈને આરોપીઓની અવર જવર વાળા વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. સાથે જ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ આગળ ધપાવવામાં આવી હતી. તપાસની કડીઓ અમદાવાદ અને મહેસાણા સુધી પહોંચતા એક પછી એક શખ્સોની ઓળખ બહાર આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, તબીબના ક્લિનિકની અગાઉ ટુ-વ્હીલર મારફતે રેકી કરવામાં આવી હતી. તબીબ ક્યારે ક્લિનિક પર આવે છે અને ક્યારે બહાર જાય છે તેની માહિતી એકત્ર કર્યા બાદ નંબર પ્લેટ વગરની કારમાં શખ્સો ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ પોતે એસઓજી પોલીસ હોવાની ઓળખ આપી તબીબને કારમાં બેસાડ્યા હતા. ત્યારબાદ તેમને લઈ જઈ રૂ.૧૧,૫૦૦ની રોકડ લઈ લેવામાં આવી હતી. અંતે ગીર ગઢડા બાયપાસ બ્રિજ નજીક તબીબને ઉતારી દેવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ફરિયાદીના સગા ભત્રીજા અલકેશ યાકુબભાઈ તાઈની પણ ઘટનામાં સંડોવણી સામે આવી છે. જૂના મનદુ:ખના કારણે અલકેશે ફરિયાદી અંગેની માહિતી નદીમને આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારબાદ નદીમ અને ગીતાબેન દ્વારા તબીબની હિલચાલ અંગે રેકી કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ માહિતીના આધારે અન્ય શખ્સોએ ઘટનાને અંજામ આપ્યો હોવાનો પોલીસનો દાવો છે. આ કેસની તપાસ દરમ્યાન આરોપીઓની અન્ય પ્રવૃત્તિઓ અંગે પણ પોલીસને માહિતી મળી હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા મુજબ, દિવ્યેશ બાબુભાઈ નસીત એક દૈનિક અખબારમાં સહતંત્રી તરીકે કામ કરતો હતો. તેની સાથે કુણાલપુરી, હાર્દિક, મિતેશ, કૌશિક અને શ્રેયશ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રિપોર્ટર તરીકે જાેડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસનો દાવો છે કે આ શખ્સો અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા વિસ્તારમાં નકલી પોલીસ તથા પત્રકાર તરીકેની ઓળખનો ઉપયોગ કરી ખાનગી કંપનીઓ, સ્પા અને નાગરિકો પાસેથી નાણાં પડાવતા હોવાની માહિતી મળી છે. અગાઉ પણ આવા પ્રકારના બનાવોમાં તેમની સંડોવણી હતી કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.