પોરબંદર : રેલવે સ્ટેશનના ભીમનાથ મહાદેવ અન્નક્ષેત્રે ભાગવત કથામાં વામન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૩૦
પોરબંદર રેલવે સ્ટેશન ખાતે આવેલ શ્રી ભીમનાથ મહાદેવ મંદિર અન્નક્ષેત્ર ‘વૃજ ધામ’ મુકામે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર કાર્યકારી સમિતિ દ્વારા તા. ૨૬ સપ્ટેમ્બરથી શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પોથી સ્થાપન અને મંગલ દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલી આ જ્ઞાનયાત્રા ના ત્રીજા દિવસે વામન જન્મો ત્સવની ભવ્ય અને ધામિર્ક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. મથુરાના ગોવર્ધન ધામના જાણીતા ભાગવતાચાર્ય પરમ પૂજ્ય શ્રી સોનુ કૃષ્ણ ઠાકુરજી મહારાજ દ્વારા બપોરે ૩:૦૦થી સાંજના ૬:૦૦ કલાક દરમિયાન સંગીતમય શૈલીમાં શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. કથાના ત્રીજા દિવસે વામન ભગવાનના પ્રાગટ્ય પ્રસંગને ભાવિકોએ ભક્તિભાવપૂર્વક માણ્યો હતો. મહિલાઓ દ્વારા આરતી ઉતારી ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ભાવિકો દર્શન તથા કથાશ્રવણ માટે ઉમટી પડ્યા હતા. ભાગવતાચાર્ય શ્રી સોનુ કૃષ્ણ ઠાકુરજી મહારાજે કથા દરમિયાન જીવનમાં આવતાં દુ:ખોને પ્રગતિના પગથિયાં બનાવવાનો સંદેશ આપતાં જણાવ્યું હતું કે, પોતે સુખી થવું અને બીજાને સુખી કરવા એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. તેમણે શ્રીમદ્ ભાગવતના આધ્યાત્મિક મહિમા અંગે પણ ભાવિકોને માર્ગદર્શન આપ્યું હતું. શ્રીમદ્ ભાગવતને કલિકાળમાં પતિતપાવની અવિરત ભાગીરથી ગંગા સમાન ગણાવી તેમણે જણાવ્યું હતું કે, તેના દિવ્ય સ્પર્શથી જીવ, જગત અને જગદીશ સાથે એકાકાર થવાનો આધ્યાત્મિક અનુભવ થાય છે. પરિવાર અને સમાજમાં એકતા, સમજણ, નૈતિકતા તથા પ્રેમનો ઉદય થાય તેવો સંદેશ ભાગવત કથા આપે છે.
શ્રીમદ્ ભાગવતને કલ્પવૃક્ષ સમાન ગણાવી તેના દિવ્ય છાંયડામાં પોરબંદર પંથકના ભાવિકો કથાનું શ્રવણ કરી લાભાન્વિત થઈ રહ્યા છે. શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ દરમિયાન વિવિધ ધામિર્ક ઉત્સવોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૯ સપ્ટેમ્બરે શ્રી રામ જન્મોત્સવ, તા. ૩૦ સપ્ટેમ્બરે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તથા ગિરિરાજ પૂજા અને છપ્પન ભોગ, તા. ૧ ઓક્ટોબરે શ્રી રુક્મિણી વિવાહ અને તા. ૨ ઓક્ટોબરે શ્રી સુદામા ચરિત્રનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨ ઓક્ટોબરે કથા વિરામ તથા પૂર્ણાહુતિ થશે. ભાવિકો માટે દરરોજ સાંજે ૭:૦૦થી રાત્રે ૯:૦૦ કલાક સુધી પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ જ્ઞાનસરીતાના મંગલ અવસરે કાર્યકારી સમિતિના સેવાકર્મી તુલસીભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ તમામ કાર્યકર ભાઈ-બહેનો દ્વારા વિવિધ સેવાકીય વ્યવસ્થાઓ માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. વધુ માહિતી માટે સેવાકર્મી તુલસીભાઈ મકવાણા મો. ૯૮૭૯૭-૦૮૧૩૦ તથા શ્રી મનીષભાઈ મો. ૯૯૭૯૭-૫૭૭૫૦નો સંપર્ક કરી શકાય છે.


