પોરબંદર જિલ્લા કક્ષાની સ્મોલર ડિસ્ટ્રિક્ટ લેવલ કોસ્ટલ મોકડ્રીલ યોજાઈ

દરિયાઈ મોકડ્રીલમાં ‘રેડ ફોર્સ‘ ટીમ દ્વારા ઘૂસણખોરીની સૂચના અપાતા સુરક્ષા તંત્ર સતર્ક  એસપી ભગીરથસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કૌશલ્ય અને ચુસ્ત બંદોબસ્તનું કરાયું નિરીક્ષણ

પોરબંદર જિલ્લા કક્ષાની સ્મોલર ડિસ્ટ્રિક્ટ લેવલ કોસ્ટલ મોકડ્રીલ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૩૦
પોલીસ મહાનિરીક્ષક, દરિયાઈ સુરક્ષાની કચેરી, ગુજરાત, ગાંધીનગરની સૂચના અંતર્ગત પોરબંદર જિલ્લામાં દરિયાઈ સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા જિલ્લા કક્ષાની સ્મોલર ડિસ્ટ્રિક્ટ લેવલ કોસ્ટલ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ, જી.એમ.બી., ફિશરીઝ, સી.આઈ.એસ.એફ. સહિતની વિવિધ સુરક્ષા એજન્સીઓએ સંકલન સાથે ભાગ લીધો હતો. મોકડ્રીલ દરમિયાન રેડ ફોર્સની ટીમ દરિયાઈ માર્ગે લેન્ડિંગ કરી જમીન માર્ગે ઘૂસણખોરી કરીને આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપવાનો પ્રયાસ કરશે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને પોરબંદર જિલ્લાના આશરે ૧૦૫ કિલોમીટર લાંબા દરિયાકાંઠા વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી. મોકડ્રીલ અંતર્ગત ગોઠવાયેલા પોલીસ બંદોબસ્તની સતર્કતા અને કામગીરીની તપાસ માટે પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ યુ. જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દરિયાકાંઠે ગોઠવાયેલા પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું તેમજ સ્મોલર ડિસ્ટ્રિક્ટ લેવલ કોસ્ટલ મોકડ્રીલની કામગીરીની સમીક્ષા કરી હતી. એસ.પી. જાડેજાએ ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપી દરિયાઈ સુરક્ષા સાથે સંકળાયેલી વિવિધ એજન્સીઓ વચ્ચે વધુ અસરકારક સંકલન અને સતર્કતા જાળવવા અંગે સૂચનાઓ આપી હતી.