સલાયા નજીક ગેરકાયદેસર રીતે થતું ખનીજ ખનન ઝડપાયું - રૂા. 26.60 લાખનો મુદ્દામાલ કબ્જે
(પ્રતિનિધી દ્વારા)
જામ ખંભાળિયા, તા.10
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ તંત્રએ ગેરકાયદેસર રીતે થતા ખનીજ ખનન તેમજ ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જ આઈ.જી. નિલિર્પ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ડી.વાય.એસ.પી. મીત રુદલાલના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. જે.એમ. ચાવડાના વડપણ હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા આ વિસ્તારમાં થતી ગેરકાયદેસર ખનીજચોરી રોકવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેને અનુલક્ષીને સર્વેલન્સ સ્થાપના હેડ કોન્સ્ટેબલ ભીખાભાઈ જોગલ અને ઓમ દેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સલાયાથી ગોઇંજ તરફ જતા માર્ગે ઘી નદીના પટમાં આવેલા પ્રથમ કોઝવેના સરકારી ખરાબામાં જેસીબી મશીન વડે ગેરકાયદેસર રીતે મોરમ (માટી) ખસેડી અને તેની નીચેથી પાણી ભરેલા ખાડામાંથી રેતી કાઢી, આ રેતી ડમ્પરમાં ભરીને લઈ જવામાં આવતી હતી. આ રીતે ગેરકાયદેસર રીતે સરકારી ખનીજનું વહન કરવાની પ્રવૃત્તિ સામે પોલીસે કરેલી કાર્યવાહીમાં પાણી ભરેલા ખાડાઓમાંથી સારી ગુણવતાની રેતીને જે.સી.બી. મશીન વડે ખનન કરી અને ડમ્પર ટ્રકમાં ભરતા પોલીસે વાહન ચાલકોને રંગે હાથ ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 15 લાખની કિંમતનું એક જે.સી.બી. મશીન, રૂપિયા દસ લાખની કિંમતનું એક ડમ્પર તથા રૂપિયા 1 લાખ 60 હજારની કિંમતની ખનન કરેલી 32 ટન જેટલી રેતી મળી કુલ રૂપિયા 26 લાખ 60 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત પોલીસે જેસીબી મશીનના ચાલક હમીર ભારા સંધીયા (ઉ.વ. 25, રહે. સોડસલા) અને વેજાણંદ અરજણ ભાચકન (ઉ.વ. 36, રહે. સંજયનગર) નામના બે શખ્સો સામે કાર્યવાહી કરી, આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી સલાયાના પી.આઈ. જે.એમ. ચાવડા, વિપુલભાઈ એમ. ડાંગર, બોઘાભાઈ કેસરીયા, પીઠાભાઈ જોગલ, ઓમદેવસિંહ જાડેજા, વિપુલભાઈ એસ. ડાંગર, દિલીપભાઈ ખાચર, રાયમલભાઈ વગેરે દ્વારા કરવામાં આવી હતી.


