મુકેશ અંબાણી અને માર્ક ઝુકરબર્ગ દ્વારા સંયુક્ત સાહસ સ્થાપવાની જાહેરાત
જામનગરમાં રૂા.855 કરોડના ખર્ચે AI સામ્રાજ્ય સ્થપાશે
(બ્યુરો) જામનગર,તા.10:
માર્ક ઝુકરબર્ગના મેટા પ્લેટફોમ્ર્સ અને મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) એ ભારત અને પસંદગીના આંતરરાષ્ટ્રીય બજારોમાં લામા-આધારિત એન્ટરપ્રાઇઝ આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સોલ્યુશન્સ વિકસાવવા અને અમલમાં મૂકવા માટે સંયુક્ત સાહસની જાહેરાત કરી છે. પ્રારંભિક રોકાણ આશરે રૂ.855 કરોડ (આશરે 100 મિલિયન ડોલર) હશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંયુક્ત સાહસમાં 70 ટકા હિસ્સો ધરાવશે, અને મેટા 30 ટકા હિસ્સો ધરાવશે.
સોશિયલ મીડિયા ક્ષેત્રની દિગ્ગજ કંપની મેટાએ ભારતમાં પોતાનું પ્રથમ આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સક્ષમ ડેટા સેન્ટર લીઝ પર લેવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સમજૂતી કરાર કર્યો છે. આ અત્યાધુનિક ડેટા સેન્ટર ગુજરાતના જામનગરમાં તૈયાર કરવામાં આવશે.આ કરાર અંતર્ગત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 168 મેગાવોટની ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર બનાવશે, જેને મેટા કંપની ભાડે રાખશે. ભવિષ્યમાં મેટા પાસે આ સેન્ટરની ક્ષમતા વધારવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. આ ભાગીદારી અંગે મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, ભારતમાં અમારા પ્રથમ AI સક્ષમ ડેટા સેન્ટરના નિર્માણ માટે રિલાયન્સ સાથે કામ કરવાનો અમને ગર્વ છે. જામનગરની આ વિશ્વસ્તરીય સુવિધા અમને વૈશ્વિક સ્તરે અમારા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તારવામાં મદદ કરશે અને ભારતની અર્થવ્યવસ્થામાં અમારા લાંબા ગાળાના રોકાણને વધુ મજબૂત કરશે.


