આકાશમાંથી આગ વરસી રહી છે : સુરેન્દ્રનગરમાં 45.5 ડીગ્રી તાપમાન

17 મે સુધી હીટવેવ રહેશે : રાજસ્થાનનું બાડમેર 47.3 ડીગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર

આકાશમાંથી આગ વરસી રહી છે : સુરેન્દ્રનગરમાં 45.5 ડીગ્રી તાપમાન

સુરેન્દ્રનગર તા.12
હવામાન વિભાગ અને નિષ્ણાંતોની આગાહી પ્રમાણે મેમાં ગરમી ભુક્કા બોલાવી રહી છે. છેલ્લામાં પાંચ દિવસમાં ગરમીમાં બેથી ચાર ડિગ્રીનો વધારો નોંધાયો છે. અમદાવાદ, ગાંધીનગર, કંડલા એરપોર્ટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રી પાર પહોંચી ગયો છે. સુરતમાં 11 મેનો દિવસ સિઝનનો સૌથી ગરમ રહ્યો અને લોકોને હીટવેવ અનુભવાઈ. સુરતમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતા 6.8 ડિગ્રી વધુ છે.
આજે નોંધાયેલા તાપમાને ચાલુ સિઝનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આજે પણ સુરેન્દ્રનગર 45.5°C સાથે રાજ્યનું અને આ સિઝનનું સૌથી ગરમ શહેર રહ્યું છે. છેલ્લીવાર સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર 45.2°C નોંધાયું હતું, જે સિઝનનું વધારે હતું, પણ ગઈકાલના તાપમાને તે રેકોર્ડ તોડ્યો છે. જો બે ડિગ્રીનો વધારો નોંધાશે તો 2025નો પણ રેકોર્ડ તૂટી જશે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં હાલ હીટવેવ યથાવત છે. દેશમાં સોમવારે રાજસ્થાનનું બાડમેર દેશનું સૌથી ગરમ રહ્યું હતું, અહીં તાપમાન 47.3 ડિગ્રી નોંધાયું હતું. મધ્યપ્રદેશમાં પણ ગરમીનો પ્રકોપ રહ્યો હતો. રતલામમાં 45 ડીગ્રી તાપમાન સૌથી વધુ નોંધાયું હતું.
હવામાન વિભાગ દ્વારા આગામી 17 મે સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. તો અમદાવાદ સહિતના 12 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.