ગતરાત્રે વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં મહાબેઠક યોજી : રાજકીય નવાજુનીના સંકેતો
ગાંધીનગર તા.૧૪
ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતના મંત્રીમંડળ સાથે બેઠક યોજી હતી. જે રાત્રે ૧૧:૧૦ વાગ્યે પૂર્ણ થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓ સાથે ભોજન લીધું હતું. તે સાથે જ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ત્યાર બાદ વડાપ્રધાન આજે લોકભવનમાં જ સંસ્કારધામ ટ્રસ્ટની બેઠક યોજી હતી. જેમાં સંસ્કારધામના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી દિવસોમાં સંસ્કારધામ દ્વારા હાથ ધરાનારા વિવિધ આયોજનો અને શિક્ષણ ક્ષેત્રે થનારી પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમના ગુરુ વકીલ સાહેબની સ્મૃતિમાં સંસ્કારધામની શરૂઆત કરી હતી. સંસ્કારધામ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે. આજની બેઠકમાં સંસ્થાના આગામી આયોજન અને વિકાસલક્ષી કામગીરી અંગે ચર્ચા થઈ રહી છે.
ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે પૂર્વ મંત્રી સૌરભ દલાલ અચાનક મંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમના આગમનને પગલે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. બીજી તરફ બળદેવજી ઠાકોર પણ લોકભવન ખાતે પહોંચ્યા હતા. બંને નેતાઓની આ હાજરી રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
ગત રાત્રે ગાંધીનગરના લોકભવન ખાતે મોદીની મંત્રીઓ સાથેની બેઠક અને રાત્રિ રોકાણને પગલે લોકભવન તરફના માર્ગ પર અવરજવર પર પ્રતિબંધ મૂકી સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. જોકે, આ દરમિયાન રાત્રે VVIP મૂવમેન્ટ જોવા મળી હતી. રાત્રે ૧૦ વાગ્યે રેન્જ રોવર કાર સાથે એક ઇનોવા લોકભવનમાં પ્રવેશી હતી, જેને સુરક્ષાકર્મીઓએ કોઈ ખાસ પૂછપરછ વિના પ્રવેશ આપ્યો હતો. ત્યારબાદ રાત્રે ૧૦:૫૦ વાગ્યે દીવ-દમણ પાસિંગની બ્લેક કલરની ડિફેન્ડર કાર આવી હતી, જેને પણ સામાન્ય પૂછપરછ બાદ અંદર જવા દેવામાં આવી હતી.


