ગીર સોમનાથનું ગૌરવ વધ્યું : બોળાસ શાળાની ‘પ્રાઇમ નંબરનું રહસ્ય’ કૃતિ રાજ્યમાં પ્રથમ

સોનગઢ ખાતે યોજાયેલા ૨૦મા રાજ્ય ગણિત મહોત્સવમાં પ્રથમ ક્રમ, હવે નેશનલ કક્ષાએ થશે કૃતિનું પ્રદર્શન

ગીર સોમનાથનું ગૌરવ વધ્યું : બોળાસ શાળાની ‘પ્રાઇમ નંબરનું રહસ્ય’ કૃતિ રાજ્યમાં પ્રથમ

(પ્રતિનિધિ દ્વારા)
પ્રાચી તીર્થ તા.રર
ગીર સોમનાથ જિલ્લાના શિક્ષણ જગત માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ(AIRMC) દ્વારા સોનગઢ ખાતે યોજાયેલા ૨૦મા રાજ્ય ગણિત મહોત્સવમાં શ્રી બોળાસ પ્રાથમિક શાળાની ‘પ્રાઇમ નંબરનું રહસ્ય’ કૃતિએ રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. હવે આ કૃતિ નેશનલ કક્ષાએ રજૂ કરવામાં આવશે. શ્રી બોળાસ પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક અને માર્ગદર્શક વંશ જશુભાઈ બી.ના માર્ગદર્શન હેઠળ બાળ વૈજ્ઞાનિકો વાજા મિનાક્ષીબેન અને કામળીયા અંજલીબેન દ્વારા આ કૃતિ તૈયાર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ગણિતના મહત્વપૂર્ણ વિષય એવા અવિભાજ્ય એટલે કે Prime Numbersને કેન્દ્રમાં રાખી તેની વિશેષતાઓ, ગણતરીની પદ્ધતિ તેમજ વિવિધ ગણિતીય ખ્યાલોને મોડેલ અને પ્રયોગાત્મક રજૂઆત દ્વારા સરળતાથી સમજાવ્યા હતા. સોનગઢ ખાતે યોજાયેલા મહોત્સવમાં વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ અંગે આત્મવિશ્વાસપૂર્વક રજૂઆત કરી હતી.જટિલ લાગતા ગણિતીય ખ્યાલને સરળ અને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવતા કૃતિએ નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું હતું. વિદ્યાર્થીઓની મહેનત અને માર્ગદર્શક શિક્ષકના માર્ગદર્શનના પરિણામે કૃતિને રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મળ્યો હતો. મહોત્સવમાં ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સ્થાપક ડો. ચંદ્રમૌલી જોશી, જાણીતા ખગોળ ભૌતિકશાસ્ત્રી ડો. જે.જે. રાવલ, ઈસરોના વિજ્ઞાની ડો. સરવૈયા તથા નાસામાં કાર્ય કરી ચૂકેલા વિજ્ઞાની ડો. એકતાબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યા બાદ હવે બોળાસ પ્રાથમિક શાળાની ‘પ્રાઇમ નંબરનું રહસ્ય’ કૃતિ નેશનલ કક્ષાએ રજૂ થશે. ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓએ ગણિત ક્ષેત્રે રાજ્યસ્તરે મેળવેલી આ સિદ્ધિથી શાળા પરિવાર, વાલીઓ અને ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. બાળ વૈજ્ઞાનિકો તેમજ માર્ગદર્શક શિક્ષકને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.