રાજકોટમાં કાકી-ભત્રીજાના કથિત પ્રેમ સંબંધમાં થયેલા ફાયરીંગમાં ઘાયલ મહિલાનું મોત
(બ્યુરો) રાજકોટ તા.૧૭
રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં ગત તા.૧૫ નવેમ્બરના રોજ કાકી - ભત્રીજા વચ્ચેના પ્રેમ સંબંધથી કંટાળેલા પતિએ બિલ્ડિંગના પરિસરમાં પત્નીને પોતાની પરવાના વાળી રિવોલ્વરથી ગોળી મારી બાદમાં પોતાના લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ ઘટનામાં પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને સારવારમાં ખસેડવામાં આવી હતી. આજે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્નીનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા હાલ ગાંધીગ્રામ પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.
બનાવ અંગે મૃતક મહિલાના ભાઈએ શનિવારે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મારે ત્રણ બહેનો છે, જેમાં સૌથી મોટા સોનલબેન (નામ બદલ્યું છે) છે. દોઢેક મહિના પહેલા મારી બેનને અન્ય કોઈ વ્યક્તિ સાથેના અફેર બાબતે બનેવી સાથે ઝઘડો થયો હતો અને ત્યારથી મારી બેન તેની બહેનપણી સાથે રહેતી હતી. મારા બનેવી અવારનવાર મને ફોન કરી તેના ઘરે બોલાવી મારી બેનને સમજાવવા કહેતા હતા.


